Gujarat Ni Vaat

બાળકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: પાલનપુરની નૂતન સ્કૂલ બહાર કચરાના ગંજ, લોકોમાં ભારે રોષ

Share On :

Palanpur News : શાળાને સમાજમાં વિદ્યાનું પવિત્ર મંદિર માનવામાં આવે છે, જ્યાં બાળકો પોતાના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા માટે સરસ્વતીની સાધના કરે છે. પરંતુ બનાસકાંઠાના પાલનપુર વિસ્તારમાં આવેલી શ્રી ચીમનભાઈ બહેરદાસ ગાંધી નૂતન હાઈસ્કૂલ અને પ્રાઇમરી સ્કૂલને સ્થાનિક વહીવટી તંત્રે પોતાની બેદરકારી બનાવી દીધું છે. પવિત્ર શૈક્ષણિક ધામના મુખ્ય પ્રવેશદ્વારની બહાર જ છેલ્લા 4 વર્ષથી કચરાના પહાડો ખડકી દેવામાં આવ્યા છે. આજે 1500 જેટલા માસૂમ વિદ્યાર્થીઓ પવિત્ર મંદિરમાં શિક્ષણ મેળવવાના બદલે અસહ્ય દુર્ગંધ, ગંદકી અને જીવલેણ રોગચાળાના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે, જેના કારણે વાલીઓ અને સ્થાનિક જનતામાં શાસક પક્ષ સામે ભારે ભભૂકો જોવા મળી રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર વિસ્તારમાં આવેલી શ્રી ચીમનભાઈ બહેરદાસ ગાંધી નૂતન હાઈસ્કૂલ અને પ્રાઇમરી સ્કૂલના માસૂમ બાળકોના ભવિષ્ય અને સ્વાસ્થ્ય સાથે પ્રશાસન દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી હોવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. નાની બજાર વિસ્તારમાં આવેલી આ શૈક્ષણિક સંસ્થાના મુખ્ય પ્રવેશદ્વારની બિલકુલ બહાર છેલ્લા 4 વર્ષથી ગંદકી અને કચરાના વિશાળ ઢગલા ખડકાયેલા રહે છે, જેના કારણે 1500 જેટલા વિદ્યાર્થીઓનું જીવવું દુષ્કર બની ગયું છે. સ્થાનિક તંત્રની આ ઘોર નિષ્ક્રિયતા સામે શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્થાનિક રહીશોમાં પ્રશાસન વિરુદ્ધ આક્રોશની જ્વાળા ભભૂકી ઉઠી છે. મુખ્ય માર્ગ પર જ ફેલાયેલી આ ભયંકર ગંદકીના કારણે સમગ્ર વિસ્તાર નરકાગારમાં ફેરવાઈ ગયો છે.આખરે કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ નીવડેલી સિસ્ટમ સામે લડવા માટે હવે આ મામલે જનનાયક ફરહાન ખાન મેદાને આવ્યા છે. તેમણે સ્થળ પર પહોંચીને તીખા આક્ષેપો કર્યા છે.

પ્રશાસન અને નેતાઓની કાન આડા હાથ કરવાની નીતિ પર આકરા પ્રહારો

આ ગંભીર સમસ્યા અંગે શાળાના પ્રિન્સિપાલ અને સમગ્ર સ્ટાફ દ્વારા સ્થાનિક કોર્પોરેશનના અધિકારીઓથી લઈને જિલ્લા કલેક્ટર અને રાજ્યના મુખ્યમંત્રી સુધી અનેક વખત રજૂઆતોનો મારો ચલાવવામાં આવ્યો છે, છતાં પ્રશાસનની ના તો આંખ ખુલે છે કે ના તો તેમના બહેરા કાન કંઈ સાંભળવા તૈયાર છે. જવાબદાર અધિકારીઓ અને સ્થાનિક રાજકારણીઓ તેમજ આગેવાનોની આવી સંવેદનહીનતાના કારણે આજે આખો વિસ્તાર રોગચાળાના ખપ્પરમાં હોમાઈ રહ્યો છે. વાલીઓની વારંવારની ફરિયાદોને કચરા ટોપલીમાં નાખી દેતા તંત્રની આડોડાઈ સામે હવે જનતાનો પિત્તો હલ્યો છે.

રોગચાળાના ખતરા વચ્ચે આંદોલન અને રસ્તા જામના દ્રશ્યો

શાળામાં સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી અભ્યાસ માટે આવતા નિર્દોષ બાળકોને આખો દિવસ કચરાની અસહ્ય દુર્ગંધ અને ચેપી રોગોના ગંભીર ભય વચ્ચે વર્ગખંડોમાં બેસવાની ફરજ પડી રહી છે, જેને પ્રશાસન દ્વારા કરવામાં આવતો માનસિક અને શારીરિક અત્યાચાર જ કહી શકાય. અસહ્ય વાસના કારણે ભણવામાં ભારે મુશ્કેલી પડી રહી હોવાનું ખુદ બાળકો રડમસ અવાજે જણાવી રહ્યા છે. અગાઉ આ તંત્રને જગાડવા માટે વિદ્યાર્થીઓએ રસ્તા પર ઉતરી આવી, રોડ બ્લોક કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું, પરંતુ સંવેદનહીન અધિકારીઓના પેટનું પાણી પણ હલ્યું નથી.

જનનાયક ફરહાન ખાનની એન્ટ્રી અને આરપારની લડાઈની ચીમકી

આખરે કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ નીવડેલી સિસ્ટમ સામે લડવા માટે હવે આ મામલે જનનાયક ફરહાન ખાન મેદાને આવ્યા છે. તેમણે સ્થળ પર પહોંચીને તીખા આક્ષેપો સાથે પ્રશાસનને ખુલ્લી ચેતવણી આપી છે કે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને ભવિષ્ય સાથે થઈ રહેલા ખીલવાડને હવે ચલાવી લેવામાં નહીં આવે. ફરહાન ખાને વિદ્યાર્થીઓ સાથે મળીને “કચરાપેટી હટાવો, નિકાલ કરો” ના ઉગ્ર નારા લગાવડાવીને વાતાવરણ ગરમ કરી દીધું છે. જો આગામી દિવસોમાં આ ગંદકીના સામ્રાજ્યને કાયમ માટે અહીથી હટાવવામાં નહીં આવે, તો પ્રશાસનની ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.