Gujarat Ni Vaat

રણુજા દર્શન કરી પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત: ધાનેરાના 3 લોકોના ઘટનાસ્થળે જ મોત

Share On :

banaskantha news: બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના એક શ્રદ્ધાળુ પરિવારને રાજસ્થાનના રણુજા (રામદેવરા) ખાતેથી દર્શન કરી પરત ફરતી વખતે કાળમુખો અકસ્માત નડ્યો છે. ભારતમાલા હાઇવે રોડ પર સર્જાયેલી આ ભયાનક દુર્ઘટનામાં એક જ પરિવારના ૩ સભ્યોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ૩ વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે.

મળતી માહિતી અનુસાર, ધાનેરાનો આ પરિવાર રણુજા ખાતે બાબા રામદેવના દર્શન કરીને અત્યંત ખુશી સાથે પોતાની કારમાં ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન ભારતમાલા રોડ પરથી પસાર થતી વખતે અચાનક એક નીલગાય (રોઝડું) કારની આડે આવી ગયું હતું. હાઇવે પર પૂરઝડપે જઈ રહેલી કારના ચાલકે નીલગાયને બચાવવા માટે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાબૂ ગુમાવતાં જ કારે જોરદાર પલટી ખાધી હતી અને રોડ કિનારે ફંગોળાઈ ગઈ હતી.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર યાત્રાળુઓમાંથી ૩ લોકોના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરુ ઊડી ગયા હતા. જ્યારે અન્ય ૩ લોકોને નાની-મોટી અને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને માર્ગ પરથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્તોને તાત્કાલિક બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

પોલીસે ત્રણેય મૃતકોના શવને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપીને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રણુજાથી દર્શન કરી પરત ફરતા પરિવારના ૩ સભ્યોના મોતના સમાચાર ધાનેરા પંથકમાં પહોંચતા જ સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.