anand news : ગુજરાતમાં નિર્માણાધીન બ્રિજો તૂટી પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આણંદ જિલ્લાના અડાસ ગામ પાસે ગત રાત્રે એક મોટી દુર્ઘટના ઘટી હતી, જેમાં નિર્માણ હેઠળના રેલવે ઓવરબ્રિજનો એક મોટો ભાગ અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયો હતો. આણંદથી મુંબઈ જતી વ્યસ્ત રેલવે લાઈન પર બની રહેલા આ બ્રિજના ત્રણ તોતિંગ ગર્ડરો ધડાકાભેર નીચે ખાબક્યા હતા. સદનસીબે ઘટના સમયે તે સ્થળ પર કોઈ શ્રમિક કે નાગરિક હાજર ન હોવાના કારણે એક બહુ મોટી જાનહાનિ ટળી ગઈ છે.
મોટા ધડાકા સાથે બ્રિજ પડતાં રહેણાંક મકાનો ધ્રુજી ઉઠ્યા
પ્રાપ્ત વિગતો અનુસાર, આણંદ તાલુકાના વડોદ અને અડાસ રોડ સ્ટેશન વચ્ચે આવેલા લેવલ ક્રોસિંગ રેલવે ફાટક નંબર ૨૫૦ ઉપર આ ઓવરબ્રિજનું બાંધકામ ચાલી રહ્યું છે. શનિવારે મોડી સાંજે આશરે સાત વાગ્યાની આસપાસ, અડાસ ગામથી હાઇવે તરફ જતા ઢાળ (એપ્રોચ રોડ) પર ગોઠવવામાં આવેલા બે બીમ વચ્ચેના ત્રણ મોટા ગર્ડર અચાનક વધુ વજન અથવા ટેકનિકલ અસંતુલનને કારણે તૂટી પડ્યા હતા.
બ્રિજનો આ ભાગ એટલા પ્રચંડ ધડાકા સાથે નીચે પડ્યો હતો કે આસપાસના ગ્રામ્ય અને રહેણાંક વિસ્તારોના મકાનોમાં ભૂકંપ જેવા તીવ્ર આંચકા અને ધ્રુજારીનો અનુભવ થયો હતો. અચાનક થયેલા આ ધડાકા અને ધ્રુજારીના કારણે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો હતો અને લોકો ગભરાઈને પોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા.

છેલ્લા બે વર્ષમાં આણંદ જિલ્લાની આ ત્રીજી ઘટના
આણંદ જિલ્લાના નાગરિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા બે વર્ષમાં બ્રિજ સંબંધિત આ ત્રીજી મોટી દુર્ઘટના છે. આ પૂર્વે જિલ્લામાં રાજુપુરા વાસદ બ્રિજ અને ગંભીરા બ્રિજ દુર્ઘટનાઓ પણ બની ચૂકી છે. વારંવાર બનતી આવી ઘટનાઓ સરકારી કોન્ટ્રાક્ટરો અને એજન્સીઓના લોટપાણીયા કામ અને ભ્રષ્ટાચાર તરફ આંગળી ચિંધે છે.
આ ઓવરબ્રિજની કામગીરી રેલવે ગતિશક્તિ યુનિટ, વડોદરા દ્વારા કરવામાં આવી રહી હતી. બ્રિજ ધરાશાયી થવાની ઘટનાની જાણ થતાં જ આણંદ જિલ્લાનું વહીવટી તંત્ર, રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને વાસદ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આણંદના પ્રાંત અધિકારી ડો. મયુર પરમાર, ડીવાયએસપી જે. એન. પંચાલ સહિતના અધિકારીઓએ ઘટનાસ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.
ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
હાલ પૂરતું અકસ્માત વાળા સ્થળે સામાન્ય નાગરિકોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને રેલવે પોલીસ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. રેલવેના માળખાકીય એન્જિનિયરોની એક ખાસ કમિટી આ ઘટનાની ગુણવત્તા અને ડિઝાઇનની ખામીઓ અંગે ઉચ્ચ સ્તરીય તપાસ કરશે. સ્થાનિક લોકોની માંગ છે કે નબળું બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટર સામે ગુનાહિત માનવવધની કોશિશનો ગુનો નોંધી સખત પગલાં લેવામાં આવે.
બ્રિજનો આ ભાગ એટલા પ્રચંડ ધડાકા સાથે નીચે પડ્યો હતો કે આસપાસના ગ્રામ્ય અને રહેણાંક વિસ્તારોના મકાનોમાં ભૂકંપ જેવા તીવ્ર આંચકા અને ધ્રુજારીનો અનુભવ થયો હતો. અચાનક થયેલા આ ધડાકા અને ધ્રુજારીના કારણે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો હતો અને લોકો ગભરાઈને પોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા.




