Ahmedabad News : અમદાવાદ શહેરમાં ચોમાસાની હજુ તો શરૂઆત થઈ છે ત્યાં જ મહાનગરપાલિકાની નબળી કામગીરીના નમૂના સપાટી પર આવવા લાગ્યા છે. શહેરમાં પડેલા પ્રથમ જ વરસાદમાં ઠેર-ઠેર ભ્રષ્ટાચાર અને બેદરકારીના ખાડા જોવા મળી રહ્યા છે. આવી જ એક મોટી અને ચોંકાવનારી ઘટના વંદે માતરમ વિસ્તારથી ન્યુ રાણીપને જોડતા મુખ્ય માર્ગ પર સામે આવી છે, જ્યાં વરસાદના કારણે આખો રોડ બેસી જવાની ઘટના ઘટી છે. આ માર્ગ પરથી પસાર થઈ રહેલું એક વિશાળ ટ્રેલર રોડ ધસી પડવાને કારણે રસ્તાની વચ્ચે જ ફસાઈ ગયું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે અને સ્થાનિક તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓ હવામાં ઓગળી ગયા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

ભારે માલસામાન ભરેલું ટ્રેલર ફસાતા વાહનવ્યવહાર ખોરવાયો
મળતી માહિતી મુજબ આ માર્ગ પરથી પસાર થઈ રહેલા ટ્રેલરમાં આશરે 30,000 કિલો એટલે કે 30 ટન જેટલો લોખંડના સળિયાનો ભારે માલસામાન ભરેલો હતો. આ ટ્રેલર આગળ જઈ રહ્યું હતું ત્યારે રાત્રે આશરે 3 વાગ્યે વળાંક લેતી વખતે અચાનક જ રસ્તો જમીનમાં ધસી ગયો હતો અને ટ્રેલરના ટાયર તેમાં ખુંપી ગયા હતા. વજનદાર ટ્રેલર ફસાઈ જવાને કારણે આ વ્યસ્ત માર્ગ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ અંગે ડ્રાઈવર ચેતને જણાવ્યું હતું કે, રાત્રે 3 વાગ્યે જ્યારે તેઓ અહીંથી વળાંક લઈ રહ્યા હતા ત્યારે અચાનક જ રોડ બેસી ગયો હતો. રાત્રે જ ક્રેનને ફોન કરવામાં આવ્યો હોવા છતાં છેક સાંજે 5 વાગ્યા પછી ક્રેન ઘટનાસ્થળે પહોંચશે અને ત્યારબાદ જ ટ્રેલર હટાવીને રસ્તો ખુલ્લો કરી શકાશે.

માત્ર એક મહિના પહેલા બનેલો રોડ ધોવાઈ જતાં ભ્રષ્ટાચારના આક્ષેપ
આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિસ્તારના સ્થાનિક વેપારી નીરવએ આક્ષેપ કર્યો છે કે આ રોડ હજુ માત્ર 1 મહિના પહેલા જ નવો બનાવવામાં આવ્યો હતો. માત્ર એક જ મહિનામાં અને તે પણ પ્રથમ વરસાદમાં જ રોડ આ રીતે બેસી જાય તે કામની ગુણવત્તા સામે મોટા સવાલો ઊભા કરે છે. સ્થાનિકોનું કહેવું છે કે સરકાર કરોડો રૂપિયાના ખર્ચે રોડ-રસ્તા બનાવે છે, પરંતુ કોન્ટ્રાક્ટરો દ્વારા યોગ્ય પદ્ધતિથી કામ કરવામાં આવતું નથી. જો સરકારી કામોનું પ્રોપર ઇન્સ્પેક્શન થાય અને સાચી મેથડથી કામગીરી કરવામાં આવે તો જનતાના પૈસાનો આ રીતે વેડફાટ અટકી શકે છે.
ગટર ઉભરાવવાની અને ખાડા પડવાની કાયમી સમસ્યાથી લોકો પરેશાન
વંદે માતરમ અને ન્યુ રાણીપ વિસ્તારના લોકો માત્ર રોડ ધસી જવાની સમસ્યાથી જ નહીં, પરંતુ ગટર ઉભરાવવાની સમસ્યાથી પણ લાંબા સમયથી પરેશાન છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અહીં અવારનવાર ગટરના પાણી રસ્તા પર ફરી વળે છે અને સામાન્ય વરસાદમાં પણ રસ્તાઓ ધોવાઈ જાય છે. રસ્તાઓ વારંવાર તૂટી જવાને કારણે સરકારને ફરી-ફરીને મોટો ખર્ચ કરવો પડે છે, જે આખરે પ્રજાના ટેક્સના પૈસાનો બગાડ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા દર વર્ષે પ્રિ-મોન્સૂન એક્શન પ્લાન પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ આ ઘટના સાબિત કરે છે કે ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ બિલકુલ અલગ છે અને સ્માર્ટ સિટીના દાવાઓ માત્ર કાગળ પર જ સીમિત રહી ગયા છે.




