Gujarat Ni Vaat

મોટા ચિલોડા રોડ પર પર દારૂડિયા ડ્રાઈવરે સર્જ્યો અકસ્માત, કારમાંથી મળી દારૂની બોટલ

Share On :

GANDHINAGAR NEWS: ગાંધીનગરના હાઈવે માર્ગો પર અવારનવાર હસતા-રમતા પરિવારો અકસ્માતનો ભોગ બનતા હોય છે, ત્યારે ગઈકાલે રાત્રે મોટા ચિલોડા હાઈવે રોડ પર એક એવી જ ભયાનક બેદરકારીની ઘટના સામે આવી છે, જેમાં એક નશામાં ધૂત કાર ચાલકે અનેક નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. ગઈકાલે મોડી રાત્રે બનેલી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. મળતી માહિતી અનુસાર, ગઈકાલે રાત્રિના સમયે મોટા ચિલોડા હાઈવે પરથી એક લક્ઝુરિયસ કાર પૂરપાટ ઝડપે અને ઝિગ-ઝેગ ગતિએ પસાર થઈ રહી હતી.

કારની ભયજનક ગતિ અને ચાલકનું વાહન પરનું અસંતુલન જોઈને હાઈવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. કાર ચાલકે હાઈવે પર અન્ય વાહનોને અડફેટે લેતાં-લેતાં રહી ગયો હતો. આ ભયાનક દ્રશ્યો જોઈને આસપાસના સ્થાનિક લોકો અને અન્ય વાહન ચાલકોએ કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. કાર ઊભી રખાવતા જ અંદરનું દ્રશ્ય જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા. કાર ચાલક સંપૂર્ણપણે દારૂના નશામાં ચૂર હતો અને તે ભાન ભૂલેલી અવસ્થામાં સ્ટીયરીંગ પર બેઠો હતો. આ ઘટના બાદ ઘટનાસ્થળે હાજર લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં સમગ્ર દ્રશ્યો કેદ કર્યા હતા.

ચાલક એટલો નશામાં હતો કે તે સ્થાનિક લોકોના સવાલોના જવાબ આપવાની સ્થિતિમાં પણ નહોતો. ગુજરાતમાં સદંતર દારૂબંધી હોવા છતાં, ગાંધીનગર જેવા વીઆઈપી જિલ્લાના મુખ્ય હાઈવે પર આ પ્રકારે દારૂની બોટલ સાથે નશામાં ધૂત થઈને ફરતા વાહન ચાલકે પ્રશાસનની કામગીરી સામે પણ આંગળી ચીંધી છે. ઘટનામાં સંડોવાયેલી કાર ગાંધીનગર પાર્સિંગની હોવાનું સામે આવ્યું છે. જોકે, ઘટનાના સમય દરમિયાન ભારે હોબાળો થતાં અને ડ્રાઈવર ભારે નશામાં હોવાને કારણે તેનું નામ કે તે ક્યાંનો વતની છે તેની કોઈ સત્તાવાર ઓળખ થઈ શકી નથી.

આ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મોટા ચિલોડા હાઈવે હંમેશાં વાહનોથી ધમધમતો રહે છે. ગઈકાલે રાત્રે પણ હાઈવે પર ભારે ટ્રાફિક હતો. નશામાં ધૂત આ ડ્રાઈવરે જે પ્રકારે ગાડી હંકારી હતી, તે જોતાં કોઈ મોટો ગમખ્વાર અકસ્માત સર્જાઈ શક્યો હોત. પરંતુ, સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈને પણ નાની-મોટી ઈજા થઈ નથી કે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. સમયસર કારને રોકી લેવામાં આવતા એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.