AHEMDABAD NEWS: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરસપુર-રખિયાલ વિસ્તારમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસે બનાવવામાં આવેલા રોડ ડિવાઇડરને કારણે સ્થાનિક રહેવાસીઓ, વેપારીઓ તેમજ વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા પૂર્વ આયોજન વગર રોડ પર ડિવાઇડર ઊભું કરી દેવાતા આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વધુ વકરી છે, જેને પગલે સ્થાનિક લોકો અને વેપારી આલમમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારી મંડળ અને રહીશોના જણાવ્યા મુજબ, સરસપુર-રખિયાલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસેનો મુખ્ય માર્ગ પહેલેથી જ સાંકડો છે.

આ એસ્ટેટમાં દરરોજ ટ્રેલર, મોટા ટ્રક, જેસીબી સહિતના અનેક ભારે વાહનો માલસામાનની હેરફેર માટે આવતા હોય છે. હવે રસ્તાની વચ્ચે ડિવાઇડર આવી જતાં આવા મહાકાય વાહનોને એસ્ટેટની અંદર પ્રવેશ કરતી વખતે કે વળાંક લેતી વખતે ભારે મુશ્કેલી પડે છે. વાહનચાલકો જીવના જોખમે રોંગ સાઇડ ડ્રાઇવિંગ કરવા મજબૂર ભારે ટ્રાફિકજામમાં ફસાવાથી બચવા માટે અનેક વાહનચાલકો અને દ્વિચક્રી ચાલકો આ રસ્તા પર જીવના જોખમે રોંગ સાઇડમાં વાહનો હંકારી રહ્યા છે. કોર્પોરેશનના આ ખોટા આયોજનને લીધે અહીં રોજબરોજ નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને કોઈ મોટી જાનહાનિ થાય તેવી ભીતિ પણ સતત સેવાઈ રહી છે.
ESIC હોસ્પિટલના દર્દીઓ અને સ્ટાફ પણ મુશ્કેલીમાં સૌથી ગંભીર બાબત એ છે કે આ જ ઔદ્યોગિક વિસ્તારમાં કર્મચારી રાજ્ય વીમા યોજનાની હોસ્પિટલ અને ક્લિનિક પણ આવેલા છે. ડિવાઇડર અને ભારે વાહનોના કાયમી અવરોધને કારણે હોસ્પિટલમાં આવતા ઇમરજન્સી દર્દીઓ, તેમના સગા-સંબંધીઓ તેમજ હોસ્પિટલના ડોક્ટરો અને અન્ય કર્મચારીઓને પણ અવરજવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કટોકટીના સમયે એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ જતી હોવાની રાવ ઉઠી છે, જેના કારણે દર્દીઓનો જીવ જોખમમાં મુકાય છે.

સરસપુર-રખિયાલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના સ્થાનિક વેપારી મંડળો અને રહીશોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆતો કરીને ઉગ્ર માંગ કરી છે કે, જ્યાં ડિવાઇડરની વાસ્તવિકતામાં કોઈ જ જરૂરિયાત નથી ત્યાં તેનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે. સ્થાનિક હિતમાં આ બિનજરૂરી ડિવાઇડરને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે, જેથી ભારે વાહનોની હેરફેર સરળ બને, કાયમી ટ્રાફિકની સમસ્યાનો અંત આવે અને વાહનચાલકો અકસ્માતના ભય વગર મુસાફરી કરી શકે.




