AHEMDABAD NEWS: ચોમાસાની ઋતુ દરમિયાન અમદાવાદ શહેરમાં ઊભી થનારી કોઈપણ કટોકટી કે પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. ભારે વરસાદ, વાવાઝોડું કે તેજ પવનના કારણે સર્જાતી વિવિધ સમસ્યાઓ જેવી કે વૃક્ષો ધરાશાયી થવા, રસ્તા બેસી જવા, લાઈન બ્રેકડાઉન, ભયજનક મકાનો કે હોર્ડિંગ્સ-બેનરો પડી જવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા જેવી ફરિયાદોના ત્વરિત અને યોગ્ય નિરાકરણ માટે કોર્પોરેશન દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ હેતુસર, પાલડી ખાતે આવેલો મુખ્ય મોન્સૂન કંટ્રોલ રૂમ 1 જૂન 2026થી 3 શિફ્ટમાં 24 કલાક સતત કાર્યરત કરી દેવામાં આવ્યો છે.
આ વર્ષે કોર્પોરેશન દ્વારા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને નાગરિકો માટે એક વિશેષ સુવિધા શરૂ કરવામાં આવી છે. શહેરીજનો ચોમાસાને લગતી પોતાની કોઈપણ ફરિયાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપના માધ્યમથી સીધી જ જે-તે ઝોનમાં નોંધાવી શકે તે માટે તમામ સાતેય ઝોન અને મુખ્ય કંટ્રોલ રૂમના સત્તાવાર નંબરો જાહેર કરવામાં આવ્યા છે.

હાઈટેક મોનિટરિંગ અને કંટ્રોલ સિસ્ટમ
મુખ્ય કંટ્રોલ રૂમથી શહેરના તમામ ઝોનમાં આવેલા કુલ 25 મોન્સૂન કંટ્રોલ રૂમો અને તમામ અંડરપાસોને વાયરલેસ સિસ્ટમ તથા સીસીટીવી કેમેરા નેટવર્ક સાથે કનેક્ટ કરવામાં આવ્યા છે. વરસાદની સચોટ માહિતી મેળવવા માટે શહેરમાં 42 અત્યાધુનિક ઓટોમેટિક રેઈન ગેજ અને 13 એનાલોગ રેઈન ડેટા લોગર કાર્યરત કરાયા છે. આ ઉપરાંત, સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજ અને ધરોઈ ડેમના જળસ્તર (લેવલ) પર પણ સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. તમામ કંટ્રોલ રૂમ પર વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સ્ટાફ દ્વારા 24 કલાક મોનિટરિંગ અને સુપરવિઝન કરવામાં આવે છે. ફરિયાદોની ઝડપી ફાળવણી અને નિકાલ માટે ઓનલાઈન ફરિયાદ રજીસ્ટર મોડ્યુલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
રસ્તા અને પૉટહોલ્સનું તાત્કાલિક રીપેરીંગ
ભારે વરસાદ દરમિયાન જો કોઈ જગ્યાએ રસ્તા બેસી જવાની કે રોડ સેટલમેન્ટની ઘટના બનશે, તો જાનમાલના રક્ષણ માટે ત્યાં તાત્કાલિક પ્રોટેક્શન આપીને બેરિકેડિંગ કરવામાં આવશે. રસ્તા પર પડેલા ખાડા (પૉટહોલ્સ) પૂરવા માટે કટર, છોટા હાથી, હાથલારી, ટેમ્પરેચર મશીનો અને વાઇબ્રેટર મશીનો જેવા વાહનો સજ્જ રખાયા છે. કોલ્ડ મિક્સ અને વેટ મિક્સ મટીરિયલ સાથે પેચવર્ક લેબર ગેંગને ઘટનાસ્થળે મોકલીને તાત્કાલિક ખાડા પૂરવાની સૂચના અપાઈ છે. આ સાથે કોલ્ડ ઇમલ્સન ઇન્જેક્શન પેચિંગ ટેક્નોલોજી આધારિત ટેમ્પરેચર મશીનોથી આધુનિક પેચવર્ક કરવામાં આવશે.

કેચપીટની સફાઈ અને માઇક્રો પ્લાનિંગ
શહેરમાંથી વરસાદી પાણીનો વહેલો નિકાલ થાય તે માટે અમદાવાદના અલગ-અલગ વોર્ડમાં આવેલી કુલ 72,586 કેચપીટોની સફાઈનો પ્રથમ રાઉન્ડ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યો છે. હાલમાં બીજા રાઉન્ડની સફાઈ પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે, જે પૂર્ણ થયા બાદ તુરંત જ ત્રીજો રાઉન્ડ શરૂ કરવામાં આવશે. તમામ કેચપીટોનું પદ્ધતિસરનું નંબરિંગ કરવામાં આવ્યું છે અને વોર્ડ વાઇઝ સંયુક્ત નિરીક્ષણ (ઇન્સ્પેક્શન) ટીમો બનાવવામાં આવી છે.
વૃક્ષોનું ટ્રીમિંગ અને ઈમરજન્સી ટીમો
બગીચા વિભાગ દ્વારા ચોમાસા પૂર્વે જ શહેરના ઘટાદાર અને સુકા થઈ ગયેલા ભયજનક વૃક્ષોનો સર્વે કરીને અંદાજે 3,237 જેટલા વૃક્ષોનું ટ્રીમિંગ અને આનુષંગિક કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. કટોકટીના સમયે રસ્તા પરથી ઝાડ હટાવવા માટે 28 મગ-વાન અને ટ્રેક્ટર-ટ્રોલીનું આયોજન વોર્ડ વાઇઝ કરવામાં આવ્યું છે. આ વાહનો સાથે મજૂરો, ચેઈન શૉ મશીન (વૃક્ષ કટર), દોરડા/રસા, ધારિયા, કુહાડી, પાવડા, સાવરણા, બેરિકેટ્સ અને સેફ્ટી કીટ સહિતની તમામ સાધન-સામગ્રી ઉપલબ્ધ રાખવામાં આવી છે.
વોટર ડ્રેનેજ અને પંપીંગ સ્ટેશનોની સ્થિતિ
સાબરમતી નદીમાં વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે પશ્ચિમ છેડે 25 અને પૂર્વ છેડે 18 ડિસ્ચાર્જ પોઈન્ટ સક્રિય રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત, તમામ તળાવોના ઇનલેટ અને આઉટલેટ પોઈન્ટની સફાઈ પૂર્ણ કરી લેવાઈ છે જેથી તળાવોમાં વધુ પાણી સંગ્રહિત થઈ શકે અને તે ઊંડા ઉતરે. તળાવોના પરકોલેશન વેલની સફાઈ પણ કરાવવામાં આવી છે.




