Gujarat Ni Vaat

અમદાવાદમાં કુબેરનગરની ‘કેવલ કચોરી’ પાછળ ચાલતો હતો ગાંજાનો વેપલો! SOGએ 8 કિલોથી વધુનો જથ્થો પકડી પાડ્યો

Share On :

AHEMDABAD NEWS: અમદાવાદ શહેરમાંથી નશીલા પદાર્થોના ગેરકાયદેસર નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ કમિશનર દ્વારા ચલાવવામાં આવી રહેલી ડ્રાઈવ અંતર્ગત એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. SOG ની ટીમે કુબેરનગર વિસ્તારમાં આવેલા એક મકાન પર ઓચિંતો દરોડો પાડીને ગેરકાયદેસર રાખવામાં આવેલો 8 કિલો 250 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે ગુનો નોંધી ડ્રગ્સ સપ્લાયના આંતરિક કનેક્શન શોધવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ઉચ્ચ અધિકારીઓની સૂચના અને સચોટ બાતમી

અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણ પ્રવૃત્તિઓ અટકાવવા સારું માહિતગાર પોલીસ કમિશનર (અમદાવાદ શહેર) તેમજ સંયુક્ત પોલીસ કમિશનર (ક્રાઇમ બ્રાન્ચ) અને નાયબ પોલીસ કમિશનર (એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ) નાઓએ અસરકારક કામગીરી કરવા ખાસ સૂચનાઓ આપેલ છે. જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર (એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ) ના સુપરવિઝન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પી.વી. દેસાઈના માર્ગદર્શન અનુસાર પો.સ.ઇ. જે.બી. દેસાઈ તથા સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દેસાઈનાઓને એક ચોક્કસ અને વસૂલાતલાયક બાતમી હકીકત મળેલ કે કુબેરનગર વિસ્તારમાં ગેરકાયદેસર નશીલા પદાર્થનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો છે અને તેનું વેચાણ કરવાની પેરવી ચાલી રહી છે.

પોલીસ રેડ અને મુદ્દામાલની વિગત

મળેલ ચોક્કસ અને પાકી બાતમીના આધારે તા. 17/6/2026ના રોજ એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખી અમદાવાદ શહેરના સરદારનગર, કુબેરનગર, કેવલ કચોરીની પાછળ, નહેરૂનગર, મેઇન સ્કૂલની સામે આવેલા મકાન નંબર-253/03ની અંદર ઓચિંતો દરોડો પાડ્યો હતો. પોલીસ ટીમ દ્વારા ઉક્ત મકાનની તપાસ કરતાં અંદરથી વગર પાસ-પરમિટનો ગેરકાયદેસર નશીલો પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેને જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ: ઊંડાણપૂર્વકની તપાસ તેજ

આ મામલે ગેરકાયદેસર માદક પદાર્થ રાખવા બદલ મકાનનો કબજો અને ભોગવટો ધરાવનાર ઇસમો તથા તપાસ દરમિયાન આ ગુનામાં જે કોઈના નામ ખુલે તે તમામ આરોપીઓ વિરુધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને આગળની ઊંડાણપૂર્વકની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર બી. ચૌહાણ નાઓ તરફ સોંપવામાં આવી છે. નશાના આ કાળા કારોબાર અને નેટવર્કમાં અન્ય કયા સ્થાનિક કે બહારના પેડલરો સામેલ છે, તેમજ આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો, તે તમામ દિશાઓમાં પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.