AHEMDABAD NEWS: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાઈરલ થઈ રહ્યો છે. નરોડા પાટિયા નજીક મધ્યરાત્રિએ બે માથાભારે શખ્સો દ્વારા સરકારી ફરજ પર તૈનાત પોલીસ વાહનને રસ્તા વચ્ચે આંતરીને અંદર બેઠેલા પોલીસકર્મીઓ સાથે સરેઆમ દાદાગીરી અને ધાકધમકી કરવામાં આવી હતી. જોકે, ખાખીનો ખોટો રૂઆબ છાંટવો આ રીઢા ગુનેગારને ભારે પડ્યો છે. સમગ્ર મામલે ગુનો નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપીને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે, જ્યારે તેના અન્ય એક ફરાર સાથીદારને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
9 અને 10 જૂનની મધ્યરાત્રિની ઘટના
પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે પોલીસ સ્ટાફ વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ અને પોઈન્ટ ચેકિંગની કામગીરી કરી રહ્યો હતો. તે સમયે નરોડા પાટિયા જેવા વ્યસ્ત ટ્રાફિક જંક્શન પર બે અસામાજિક તત્વોએ કાયદાનો સહેજ પણ ડર રાખ્યા વિના ચાલુ પોલીસ વાહનને અધવચ્ચે રોકી દીધું હતું. નરોડા પાટિયા પાસે કૃષ્ણનગર, નરોડા અને સરદારનગર એમ ત્રણ મહત્વના પોલીસ મથકોની સરહદ (હદ) લાગતી હોવાથી શરૂઆતમાં આ વાન કયા પોલીસ સ્ટેશનની છે તે અંગે ભારે ગૂંચવણ ઊભી થઈ હતી. પરંતુ પોલીસની ઊંડી તપાસમાં ખુલાસો થયો હતો કે આ વાહન સૈજપુર-બોઘા ખાતેના સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF) ગ્રુપનું હતું અને કર્મચારીઓ સરકારી ફરજ પર હતા.
મુખ્ય આરોપીની ધરપકડ, સાથીદારની શોધખોળ શરૂ
સરકારી કર્મચારીની ફરજમાં રુકાવટ ઊભી કરવા અને પોલીસ વાહનને આંતરીને ધમકાવવાનો વીડિયો ઉચ્ચ અધિકારીઓના ધ્યાને આવતા જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. આ મામલે તાત્કાલિક અસરથી કાયદેસરની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી કાર્યવાહી કરીને SRPFની ગાડી રોકનાર મુખ્ય આરોપી (જે રીઢો ગુનેગાર હોવાનું મનાય છે)ની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીની કાયદાના પાઠ ભણાવી જેલ ભેગો કરી દેવાયો છે. જ્યારે આ ગુનામાં તેને સાથ આપનાર તેનો બીજો માથાભારે સાથીદાર હાલ પોલીસ પકડથી દૂર હોવાથી તેને ઝડપી લેવા અલગ-અલગ ટીમો બનાવીને દરોડા પાડવામાં આવી રહ્યા છે




