Gujarat Ni Vaat

રાજકોટ મનપા સ્ટેન્ડિંગ કમિટીની બેઠક : 17.91 કરોડના વિકાસકાર્યોને મંજૂરી, રેસકોર્સની લાઈટિંગ દરખાસ્ત નામંજૂર

Share On :

Rajkot News : રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વની બેઠક આજે યોજાઈ હતી. દર અઠવાડિયે નિયમિત રીતે મળતી આ બેઠકમાં શહેરના વિકાસ અને નાગરિકોની સુવિધાઓને લગતા વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં પાછલી બેઠકની 2 પેન્ડિંગ દરખાસ્તો સહિત કુલ 13 જેટલી દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. કમિટી દ્વારા આ તમામ દરખાસ્તોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને કુલ 17 કરોડ 91 લાખ 97 હજાર 491 રૂપિયાના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે. જોકે, વહીવટી કરકસર અને બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવાના ઉદ્દેશ્યથી કમિટી દ્વારા કેટલાક કડક નિર્ણયો પણ લેવામાં આવ્યા છે, જેમાં અગાઉ પેન્ડિંગ રાખવામાં આવેલી રેસકોર્સ રિંગરોડની લાઈટિંગની દરખાસ્તને આ વખતે સંપૂર્ણપણે નામંજૂર કરી દેવામાં આવી છે.

પાણીના ટેન્કરના કોન્ટ્રાક્ટમાં મોટો ફેરફાર અને ટેન્કર રાજ નાબૂદ કરવાનો લક્ષ્યાંક

શહેરમાં પાણી વિતરણની વ્યવસ્થાને લઈને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એક દૂરોગામી નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકા સમક્ષ પાણીના ટેન્કરો પૂરા પાડવા માટે 11 કરોડ રૂપિયાના ખર્ચે 2 વર્ષનો કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી. પરંતુ કમિટીએ આ દરખાસ્તમાં સુધારો કરીને 2 વર્ષના બદલે માત્ર 1 વર્ષ માટે જ કોન્ટ્રાક્ટ મંજૂર કર્યો છે, જેનો અંદાજિત ખર્ચ 5 કરોડ રૂપિયાની આસપાસ થશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજકોટના વેસ્ટ ઝોન વિસ્તારમાં આગામી 4 થી 5 મહિનામાં પાણીના ટેન્કરો સંપૂર્ણપણે બંધ થઈ જશે. એનિમલ હોસ્ટેલ જેવા દબાણવાળા વિસ્તારોમાં જ માત્ર જરૂરિયાત મુજબ નોમિનલ ટેન્કરો મોકલવામાં આવશે. રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 670 કિલોમીટરની ડીઆઈ પાઈપલાઈન નાખવાનું કામ પૂર્ણ થઈ ગયું છે અને હવે માત્ર ઘરગથ્થુ કનેક્શન આપવાના જ બાકી છે. આ કનેક્શન વહેલી તકે આપીને શહેરમાંથી ટેન્કર રાજ નાબૂદ કરવાનો મનપાનો મુખ્ય પ્રયાસ છે.

ઈંધણ ખર્ચમાં કાપ મૂકવા કોન્ટ્રાક્ટ આધારિત ગાડીઓ મોકૂફ રાખવાનો આદેશ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પેટ્રોલ, ડીઝલ અને ઈંધણના વપરાશમાં બને તેટલો કરકસરયુક્ત અભિગમ અપનાવવાની અપીલ કરવામાં આવી છે. આ આહવાનને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાએ વહીવટી સ્તરે મોટો નિર્ણય લીધો છે. કોર્પોરેશનમાં હાલ જે ગાડીઓ કોન્ટ્રાક્ટ બેઝ પર ચાલી રહી છે, તેના પર હાલ પૂરતો મોકૂફીનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સમયમાં મહાનગરપાલિકાની જે સેવાઓ અત્યંત આવશ્યક કે ઈમરજન્સી કેટેગરીમાં આવતી હશે, તેવી જ ગાડીઓ રાખવા અંગે પુનઃ વિચારણા કરવામાં આવશે અને ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીમાં તેના પર અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ પગલાથી કોર્પોરેશનના વાહન પાછળ થતા ઈંધણ અને ભાડાના મોટા ખર્ચમાં મોટી બચત થશે તેમ માનવામાં આવી રહ્યું છે.

અર્બન ગ્રીન ડેવલપમેન્ટ પોલિસીની દરખાસ્ત પર આગામી સપ્તાહે વિસ્તૃત સમીક્ષા

શહેરના પર્યાવરણ અને હરિયાળીના વિકાસ માટે રજૂ થયેલી અર્બન ગ્રીન ડેવલપમેન્ટ પોલિસીની દરખાસ્તને આ બેઠકમાં હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે. આ દરખાસ્ત અગાઉની બેઠકમાં પણ પેન્ડિંગ રાખવામાં આવી હતી. આ પ્રોજેક્ટ માટે જે એજન્સીએ દરખાસ્ત કરી છે, તેણે અમદાવાદ શહેરમાં આ પ્રકારની કામગીરી કરેલી છે. આથી, આગામી અઠવાડિયે રાજકોટ મનપાની સંકલન સમિતિની ટીમ આ એજન્સી સાથે એક વિશેષ બેઠક યોજશે. અમદાવાદ શહેરમાં આ એજન્સીએ કરેલા કામોની સ્થળ મુલાકાત અને વિસ્તૃત ચર્ચા વિચારણા કર્યા બાદ, સંકલન ટીમ જે અહેવાલ આપશે તેના આધારે આગામી દિવસોમાં આ ગ્રીન પોલિસી અંગે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આખરી નિર્ણય લેવામાં આવશે.