Bollywood News : બોલિવૂડની ‘મસ્તાની’ એટલે કે દીપિકા પાદુકોણ હાલના દિવસોમાં પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને જબરદસ્ત ચર્ચામાં જોવા મળી રહી છે. હાલમાં તે કામથી થોડો બ્રેક લઈને પોતાની બીજી પ્રેગ્નન્સીના સમયગાળાને ખૂબ જ એન્જોય કરી રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર દીપિકા પાદુકોણનો એક નવો વીડિયો ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તે ધમાકેદાર ડાન્સ કરતી જોવા મળે છે. ગ્લોબલ હોટેલ ચેન ‘હિલ્ટન’ની આ જાહેરાતમાં અભિનેત્રી બ્લુ કલરના પેન્ટસૂટમાં શાનદાર ડાન્સ મૂવ્સ કરતી નજરે પડે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ચાહકોનું ધ્યાન તેના પ્રેગ્નન્સી ગ્લો અને બેબી બમ્પ પર ગયું હતું, જેના કારણે કમેન્ટ્સનો ભારે પૂર આવ્યો છે.

મોમ-ટુ-બી દીપિકાનો સ્ટાઇલિશ અંદાજ
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં દીપિકા પાદુકોણનો એક અલગ જ લુક અને સ્ટાઈલ જોવા મળી રહી છે. તે હિલ્ટન પ્રોપર્ટીના આલીશાન કોરિડોરમાં ખૂબ જ ગ્રેસફુલ અને એફર્ટલેસ ડાન્સ સ્ટેપ્સ કરતી દેખાય છે. અહેવાલો અનુસાર, દીપિકાએ આ કોમર્શિયલ એડ શૂટ ત્યારે કર્યું હતું જ્યારે તે લગભગ 4 મહિનાની ગર્ભવતી હતી. તેનો આ અદભુત આત્મવિશ્વાસ અને ‘બોસ લેડી’ અંદાજ જોઈને ચાહકો તેના વખાણ કરતા થાકતા નથી. લાંબા સમય પછી દીપિકાનો કોઈ નવો પ્રોજેક્ટ સ્ક્રીન પર જોઈને લોકો ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.
દીપિકાના વીડિયો પર ચાહકોનું રિએક્શન
આ જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર થતાં જ ફેન્સે તેના પર ઘણો પ્રેમ વરસાવવાનું શરૂ કરી દીધું છે. દીપિકા અને રણવીર સિંહની મોટી પુત્રીનું નામ ‘દુઆ’ છે, જેને ધ્યાનમાં રાખીને એક યુઝરે કમેન્ટમાં લખ્યું કે, ‘દુઆની મમ્મી આ બેબી બમ્પ સાથે અદ્ભુત લાગી રહી છે’. જ્યારે અન્ય એક યુઝરે રમુજી અંદાજમાં લખ્યું કે, ‘દુઆની મોમ વૈશ્વિક સ્તરે પોતાના બીજા બાળકનું ડેબ્યુ કરાવી રહી છે.’ આ રીતે લોકો દીપિકાની સુંદરતા અને તેના ગ્લોના સતત વખાણ કરી રહ્યા છે.
દીપિકા અને રણવીરની સફર
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ વર્ષ 2018 માં લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા. આ બંને કલાકારોને ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલા રામ-લીલા’ના સેટ પર એકબીજા સાથે પ્રેમ થયો હતો. ત્યારબાદ સપ્ટેમ્બર 2024 માં તેઓએ તેમની પ્રથમ પુત્રી ‘દુઆ’નું દુનિયામાં સ્વાગત કર્યું હતું. દીપિકાએ આ જ વર્ષે એપ્રિલ મહિનામાં ઇન્સ્ટાગ્રામ પર એક ખૂબ જ સુંદર તસવીર શેર કરીને પોતાની બીજી પ્રેગ્નન્સીની સત્તાવાર જાહેરાત કરી હતી. તે ફોટોમાં તેમની દીકરી દુઆ હાથમાં પોઝિટિવ પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ પકડીને ઉભેલી જોવા મળી હતી.
દીપિકા પાદુકોણનો આગામી વર્કફ્રન્ટ
માતા બનવાની આ સુંદર સફરની સાથે સાથે દીપિકા પાદુકોણ પોતાના પ્રોફેશનલ કામ પર પણ પૂરેપૂરું ધ્યાન આપી રહી છે. તે આગામી સમયમાં શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘કિંગ’માં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય, તે પ્રખ્યાત ડાયરેક્ટર એટલીના નિર્દેશનમાં બનનારી આગામી ફિલ્મ ‘રાકા’માં સુપરસ્ટાર અલ્લુ અર્જુન સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતી પણ નજરે પડશે, જેને લઈને સિનેમાપ્રેમીઓમાં ભારે ઉત્સુકતા છે.




