Gujarat Ni Vaat

બોક્સ ઓફિસ પર ‘આલ્ફા’ અને ‘વેલકમ ટુ ધ જંગલ’ વચ્ચે જંગ: આલિયાની ફિલ્મે જિગરાનો રેકોર્ડ તોડ્યો

Share On :

entertainment news: યશરાજ ફિલ્મ્સના સ્પા યુનિવર્સની સાતમી ફિલ્મ ‘આલ્ફા’ અને 34 દિગ્ગજ કલાકારોથી સજ્જ કોમેડી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ વચ્ચે બોક્સ ઓફિસ પર હાલમાં રસપ્રદ ટક્કર જોવા મળી રહી છે. ‘આલ્ફા’ ફિલ્મે પોતાની અપેક્ષા કરતા ધીમી શરૂઆત કરી હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ તેમ છતાં તે આલિયા ભટ્ટની ગત ફિલ્મ ‘જિગરા’ના રેકોર્ડને તોડવામાં સફળ રહી છે. લગભગ 150 કરોડ રૂપિયાના મોટા બજેટમાં બનેલી ‘આલ્ફા’માં આલિયા ભટ્ટ અને શરવરી વાઘના જોરદાર એક્શન દ્રશ્યો જોવા મળે છે, જેમાં અનિલ કપૂર અને બોબી દેઓલ પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મની વાર્તા 27 જુલાઈ 1999ના રોજ કારગિલ યુદ્ધ પછીના દ્રશ્યોથી શરૂ થાય છે, જ્યાં કર્નલ વિક્રાંત કૌલ અને ફતેહ સિંહ લખાવાત પોતાના સાથીઓને ગુમાવ્યાનું દુઃખ વ્યક્ત કરે છે. વાર્તામાં વળાંક ત્યારે આવે છે જ્યારે આતંકવાદીઓ સામે લડવા માટે એક ખાસ મિશન તૈયાર કરવામાં આવે છે અને વિક્રાંતની પુત્રી સીતા આ મિશનના કેન્દ્રમાં આવી જાય છે.

આલ્ફાનું બોક્સ ઓફિસ પ્રદર્શન અને સરખામણી

ડાયરેક્ટર શિવ રવૈલની આ ફિલ્મ પહેલા દિવસથી જ થોડી મંથર ગતિએ ચાલી રહી છે. રિપોર્ટ્સ મુજબ, ‘આલ્ફા’એ પહેલા દિવસે 9.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, ત્યારબાદ રવિવારે તેમાં ઉછાળો આવતા 13.25 કરોડ રૂપિયાનો આંકડો નોંધાયો હતો. જોકે, ચોથા દિવસથી ફિલ્મની કમાણીમાં ઘટાડો જોવા મળ્યો છે, જેમાં સોમવારે 3.85 કરોડ અને પાંચમા દિવસે 4.25 કરોડ રૂપિયાની કમાણી થઈ છે. હાલમાં દેશભરમાં આ ફિલ્મના 6230 શો ચાલી રહ્યા છે અને ભારતમાં કુલ નેટ કલેક્શન 42.10 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. આલિયા ભટ્ટની ગત ફિલ્મ ‘જિગરા’ સાથે સરખામણી કરીએ તો, ‘જિગરા’નું પાંચમા દિવસનું કલેક્શન માત્ર 1.60 કરોડ હતું અને પાંચ દિવસમાં તેનું કુલ કલેક્શન 19.85 કરોડ રૂપિયા હતું, જેની સામે ‘આલ્ફા’ સ્પષ્ટપણે આગળ નીકળી ગઈ છે.

વેલકમ ટુ ધ જંગલનો દબદબો

બીજી તરફ, 12 દિવસથી થિયેટરોમાં ધૂમ મચાવી રહેલી ‘વેલકમ ટુ ધ જંગલ’ની વાર્તા એક ભ્રષ્ટાચારી ઉદ્યોગપતિની આસપાસ ફરે છે, જે ટેક્સ ચોરી કરવા માટે 2000 કરોડ રૂપિયાની સુપર-ફ્લોપ ફિલ્મ બનાવવાનું વિચારે છે. 34 મોટા કલાકારોથી સજ્જ આ ફિલ્મમાં જ્યારે કલાકારો શૂટિંગ માટે જંગલમાં જાય છે ત્યારે તેમનો સામનો આતંકવાદીઓ સાથે થાય છે અને ત્યાંથી કોમેડી અને કન્ફ્યુઝનનો નવો અધ્યાય શરૂ થાય છે. જોકે, કેટલાક દર્શકોનું માનવું છે કે ફિલ્મમાં કલાકારોની સંખ્યા ખૂબ વધારે હોવાને કારણે વાર્તાનો પ્રવાહ ક્યારેક વેરવિખેર લાગે છે. તેમ છતાં, 125 કરોડના બજેટવાળી આ ફિલ્મે ભારતમાં 120.55  કરોડનું નેટ કલેક્શન કર્યું છે અને વર્લ્ડવાઈડ 174.30 કરોડ રૂપિયાની કમાણી કરીને પોતાની મજબૂત પકડ બનાવી રાખી છે. ‘વેલકમ ટુ ધ જંગલ’ની શરૂઆત ૧૫.૨૫ કરોડના આંકડા સાથે થઈ હતી, જે 12મા દિવસે ઘટીને ૩.૦૦ કરોડ પર આવી ગઈ છે. આમ, બંને ફિલ્મો પોતાની રીતે બોક્સ ઓફિસના આંકડાઓ સાથે સંઘર્ષ કરી રહી છે, પરંતુ દર્શકોનો પ્રતિસાદ કઈ ફિલ્મને લાંબા ગાળે સફળ બનાવશે તે જોવું ખૂબ જ મહત્વનું બની રહેશે.