CRICKET NEWS: ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા માટે આયરલેન્ડ સામેની બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ આંકડાકીય દ્રષ્ટિએ ખૂબ જ નિરાશાજનક સાબિત થઈ છે. દુનિયાના નંબર-1 T20 બેટ્સમેન ગણાતા અભિષેક શર્મા આ મેચમાં ભારત તરફથી ઓપનિંગ કરવા મેદાને ઉતર્યા હતા, પરંતુ મેચના પહેલા જ બોલે ‘ગોલ્ડન ડક’ (પહેલા બોલે શૂન્ય રને) આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા હતા. આયરલેન્ડના ભારતીય મૂળના ફાસ્ટ બોલર જય મૂંદડાએ મેથ્યુ હોલાર્ડના હાથે કેચ કરાવીને તેમને આઉટ કર્યા હતા. આ શૂન્ય સાથે અભિષેકના નામે T20 ક્રિકેટનો એક અત્યંત અનિચ્છનીય અને શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો છે.
અભિષેક શર્મા ઓવરઓલ T20 ક્રિકેટમાં એક જ કેલેન્ડર વર્ષમાં સંયુક્ત રીતે સૌથી વધુ 9 વખત શૂન્ય રને આઉટ થનારા બેટ્સમેન બની ગયા છે. આ નકારાત્મક ઉપલબ્ધિ મેળવનારા તેઓ ક્રિકેટ ઇતિહાસના સંયુક્ત રીતે ત્રીજા બેટ્સમેન છે. આ પહેલાં માત્ર અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાન અને પાકિસ્તાનના ઓલરાઉન્ડર શાદાબ ખાને જ એક કેલેન્ડર વર્ષમાં 9 વખત ડક પર આઉટ થવાનો રેકોર્ડ બનાવ્યો હતો. વર્ષ 2026 અભિષેક શર્મા માટે ઉતાર-ચઢાવવાળું રહ્યું છે. ચાલુ વર્ષે રમાયેલી ૧૫ T20I મેચોમાંથી ૬ મેચોમાં તેઓ પોતાનું ખાતું ખોલવામાં પણ નિષ્ફળ રહ્યા છે.
આ ફ્લોપ શો માત્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ તાજેતરમાં રમાયેલી IPL 2026માં પણ સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતા ત્યારે પણ ડકમાં આઉટ થયા હતા, તેમનો આંકડો 9 સુધી પહોંચી ગયો છે.અભિષેક શર્મા જે શૈલીના આક્રમક બેટ્સમેન છે, તેમાં શૂન્ય રને આઉટ થવાનું જોખમ હંમેશાં રહેલું હોય છે, પરંતુ તેમની પાસે આગામી મેચોમાં શાનદાર વાપસી કરીને આ ટીકાઓને પ્રશંસામાં બદલવાની પૂરી ક્ષમતા છે.




