automobile news : ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોના ઝડપથી વધી રહેલા વપરાશ વચ્ચે, કેન્દ્ર સરકાર દ્વારા EV ચાલકોની સૌથી મોટી મુશ્કેલીનો કાયમી ઉકેલ લાવવા માટે એક ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે. દેશભરમાં ચાર્જિંગ સ્ટેશન શોધવા અને અલગ-અલગ કંપનીઓની એપ્સ વાપરવાની માથાકૂટનો અંત લાવવા માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં “યુનિફાઇડ ભારત ઇ-ચાર્જ” નામનું એક નવું ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કરવા જઈ રહી છે.
બેંગલુરુ ખાતે યોજાયેલી ‘ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોન્ફરન્સ’ દરમિયાન કેન્દ્રીય ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રી શ્રી એચ. ડી. કુમારસ્વામી દ્વારા આ મહત્વપૂર્ણ પ્લેટફોર્મની જાહેરાત કરવામાં આવી હતી. આ એપ એક યુનિફાઇડ પ્લેટફોર્મ તરીકે કામ કરશે, જે દેશના તમામ ખાનગી અને સરકારી ચાર્જિંગ ઓપરેટરોને એક જ સિસ્ટમ સાથે જોડશે.

ભારે ઉદ્યોગ મંત્રાલય દ્વારા આ પ્લેટફોર્મને ઉર્જા મંત્રાલય, રાજ્ય સરકારો અને ઇન્ડસ્ટ્રીના અગ્રણીઓ સાથે મળીને તૈયાર કરવામાં આવી રહ્યું છે. દેશમાં ઇલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે કાર્યરત ₹10,900 કરોડના કુલ બજેટ ધરાવતી યોજના અંતર્ગત, ખાસ ₹2,000 કરોડ રૂપિયા જાહેર EV ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મજબૂતીકરણ માટે ફાળવવામાં આવ્યા છે. જે રીતે UPI એ દેશમાં પેમેન્ટ સિસ્ટમ બદલી નાખી, તેવી જ રીતે UBC એપ દ્વારા કોઈપણ કંપનીના ચાર્જર પર સિંગલ ડિજિટલ વિન્ડોથી સરળતાથી પેમેન્ટ થઈ શકશે.
આ નેટવર્ક માત્ર મોટા શહેરો પૂરતું સીમિત ન રહેતા નાના શહેરો અને હાઈવે પર ગ્રામીણ વિસ્તારો સુધી લંબાવવામાં આવશે આ નવીનતમ ડિજિટલ કદમથી ભારતમાં ગ્રીન એનર્જી અને ઇલેક્ટ્રિક વાહનોના અપનાવવાની ગતિમાં અભૂતપૂર્વ ઉછાળો આવશે તેવો સરકારનો દ્રઢ વિશ્વાસ છે.




