AMRELI NEWS: અમરેલી અને ગીર સોમનાથ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોની અવરજવર વચ્ચે વન્ય પ્રાણી દ્વારા માનવ પર હુમલાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં બાબરકોટ રોડ પર શનિવાર-રવિવારના રોજ એક સિંહે અચાનક આતંક મચાવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બાઈક અને રિક્ષા ચાલક પર હુમલો કર્યા બાદ, વનવિભાગની ટીમ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરે તે પહેલા જ સિંહનું વન અધિકારીઓની નજર સામે જ શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું હતું.
બાઈક ચાલક પર હુમલો, સિંહ પાછળ દોડતા રિક્ષા પલટી મારી ગઈ
ઘટનાની વિગતો મુજબ, જાફરાબાદના બાબરકોટ રોડ પરથી પસાર થઈ રહેલા વિશાલભાઈ બારૈયા નામના બાઈક ચાલક પર સિંહે અચાનક હુમલો કર્યો હતો. સિંહે પંજો મારતા વિશાલભાઈને નખ વાગવાથી સામાન્ય ઈજાઓ થઈ હતી, જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ હુમલા બાદ હિંસક બનેલો સિંહ ત્યાંથી પસાર થતી એક રિક્ષા પાછળ દોડ્યો હતો. સિંહના હુમલાના પ્રયાસ અને ગભરામણના કારણે રિક્ષા રોડ પર જ પલટી મારી ગઈ હતી, જો કે સદનસીબે રિક્ષા ચાલક કે અન્ય મુસાફરોને કોઈ ઈજા થઈ ન હતી.
રેસ્ક્યુ ઓપરેશન પહેલા જ સિંહને આંચકી આવી અને મોત થયું
સમગ્ર ઘટના જાફરાબાદ રેન્જ વનવિભાગ કચેરીની તદ્દન નજીક બની હોવાથી વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ અને શૂટર્સની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી. વનવિભાગે સુરક્ષાના પગલારૂપે બાબરકોટ રોડ પરનો વાહનવ્યવહાર થોડીવાર માટે સંપૂર્ણ બંધ કરાવી દીધો હતો. વનવિભાગની વેટરનરી ડૉક્ટર્સની ટીમ સિંહને ટ્રેન્ક્યુલાઈઝ કરીને પાંજરે પૂરવાની તૈયારી કરી રહી હતી, તે જ સમયે સિંહને વનકર્મીઓની નજર સામે જ અચાનક બે થી ત્રણ વખત તીવ્ર આંચકી (તણાવ/Fits) આવી હતી અને તે જ જગ્યા પર તેનું રહસ્યમય મોત નીપજ્યું હતું.
હડકવા હોવાની આશંકા: વનવિભાગ એલર્ટ પર
સામાન્ય રીતે સિંહ માણસોને જોઈને આ પ્રકારે હિંસક હરકતો કરતો નથી, પરંતુ આ સિંહના વિચિત્ર વર્તન અને મોત પહેલા આવેલી આંચકીને જોતા વનવિભાગના ડૉક્ટરોએ સિંહને હડકવા થયો હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરી છે. વનવિભાગ દ્વારા મૃતક સિંહના પાર્થિવ દેહને તાત્કાલિક ‘બાબરકોટ એનિમલ કેર સેન્ટર’ ખાતે ખસેડવામાં આવ્યો છે. વેટરનરી ડૉક્ટર્સની પેનલ દ્વારા સિંહના જરૂરી સેમ્પલ લઈને લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે, લેબ રિપોર્ટ આવ્યા બાદ જ સિંહના મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. હાલ વનવિભાગે આસપાસના વિસ્તારોમાં પેટ્રોલીંગ વધારી દીધું છે અને સ્થાનિક ગ્રામજનોને સતર્ક રહેવા અપીલ કરી છે.




