સુરત શહેરમાં સોશિયલ મીડિયા મારફતે સામે આવેલી કપલ સ્વેપિંગ સંબંધિત ચર્ચાસ્પદ ઘટના બાદ શહેરમાં નવા વિવાદની શરૂઆત થઈ છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર રાજ પટેલે આ મુદ્દે જાહેર રીતે અવાજ ઉઠાવી સમગ્ર ઘટનાને પ્રકાશમાં લાવી છે. રાજ પટેલના જણાવ્યા મુજબ, છેલ્લા એક અઠવાડિયાથી તેઓ આ પ્રકારના કેસ અને ઓનલાઈન પ્રવૃત્તિઓ અંગે સતત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર જાગૃતિ ફેલાવી રહ્યા છે. તેમના મિત્ર વર્તુળમાં આવી ઘટના સામે આવ્યા બાદ તેમણે સમાજમાં ચાલતી આવી પ્રવૃત્તિઓ સામે ખુલ્લેઆમ વિરોધ વ્યક્ત કર્યો છે.
તેમનું કહેવું છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓ સમાજને બદનામ કરે છે અને જો સમયસર તેને રોકવામાં નહીં આવે તો આવનારા સમયમાં આવી બાબતો સામાન્ય બની શકે છે. તેમણે ખાસ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, ફેસબુક સહિતના માધ્યમોમાં ચાલતા ગ્રુપ્સ દ્વારા પાર્ટનર સ્વેપિંગ જેવી પ્રવૃત્તિઓ પર ચિંતા વ્યક્ત કરી છે. રાજ પટેલે જણાવ્યું કે અગાઉ આવા વિષયો માત્ર વેબ સિરીઝ, વિદેશી સંસ્કૃતિ અથવા ટીવી શોઝ સુધી સીમિત હતા, પરંતુ હવે આવા ટ્રેન્ડ્સ ગુજરાતમાં પણ જોવા મળવા લાગ્યા છે, જે સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય છે.
તેમણે વધુમાં કહ્યું કે ભારતીય, ખાસ કરીને હિન્દુ સંસ્કૃતિમાં આવી પ્રવૃત્તિઓ ક્યારેય સ્વીકાર્ય નથી અને સમાજે એકજૂટ થઈને આવા પ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠાવવો જરૂરી છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તરીકે રાજ પટેલે લોકોને અપીલ કરી છે કે આવી પ્રવૃત્તિઓ સામે જાગૃતિ લાવવી અને તેનેરોકવા માટે સમયસર પગલાં લેવા જરૂરી છે, નહિતર આવનારા સમયમાં આવી બાબતો એક સામાન્ય ટ્રેન્ડ બની શકે છે.
આ મામલે હાલ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે અને ચર્ચા તેજ બની છે. પોલીસ અથવા સત્તાવાર તંત્ર તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન હાલ સુધી આપવામાં આવ્યું નથી. રાજ પટેલે ફરી એકવાર સમાજને ચેતવણી આપતા કહ્યું કે આવા ટ્રેન્ડ્સ સામે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે.



