SURAT NEWS: કેન્દ્રની એનડીએ સરકારના સફળ અને પ્રભાવશાળી કાર્યકાળ નિમિત્તે દેશભરમાં ચાલી રહેલા વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે આજે કેન્દ્રીય રમત-ગમત મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી અને મહારાષ્ટ્રના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ સાંસદ રક્ષા ખડસે ડાયમંડ સિટી સુરતની મુલાકાતે પધાર્યા હતા. સુરત ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમો અને પત્રકાર પરિષદમાં તેમણે કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ વર્ણવવાની સાથે-સાથે દેશના વર્તમાન રાજકારણ અને આગામી કાયદાકીય રોડમેપ અંગે ખૂબ જ મહત્વના ખુલાસા કર્યા હતા, જેનાથી દેશના વિપક્ષી ગઠબંધનમાં ભારે ચર્ચા જાગી છે.
સંજય રાઉતની રાજનીતિ પર આકરા પ્રહાર
પત્રકારો સાથેની વાતચીતમાં કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસેએ મહારાષ્ટ્રના વર્તમાન ગરમાયેલા રાજકારણનો ઉલ્લેખ કરીને ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના નેતા અને સાંસદ સંજય રાઉત પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સંજય રાઉત દ્વારા સતત કરવામાં આવતી નિમ્ન સ્તરની અને પાયાવિહોણી નિવેદનબાજી તેમની રાજકીય હતાશા દર્શાવે છે. મહારાષ્ટ્રની જનતા આવી ગંદી રાજનીતિને ક્યારેય સ્વીકારશે નહીં.

મહિલા આરક્ષણ અને સીમાંકન બિલ મુદ્દે વિપક્ષી સાંસદોમાં ભંગાણનો દાવો
સંસદમાં આગામી દિવસોમાં આવનારા ઐતિહાસિક મહિલા આરક્ષણ બિલ અને સીમાંકન (ડી-લિમિટેશન) બિલ અંગે કેન્દ્ર સરકારના આગામી રોડમેપની વિગતો શેર કરતા મંત્રીએ એક બહુ મોટો દાવો કર્યો હતો. તેમણે ખાસ કરીને શિવસેના અને પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસના સાંસદોના વલણને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો કે, “દેશમાં હવે રાજકીય વાતાવરણ સંપૂર્ણ બદલાયું છે. વિપક્ષના ઘણા સાંસદો અંદરખાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓથી પ્રભાવિત છે અને તેઓ પણ સંસદમાં આ ઐતિહાસિક બિલને સમર્થન આપવા માટે માનસિક રીતે તૈયાર છે.” આ દાવાને પગલે સમગ્ર વિપક્ષી છાવણીમાં ભારે દોડધામ મચી ગઈ છે.
વિપક્ષો માત્ર વાતો કરતા રહ્યા, મોદી સરકારે હક આપ્યો
મહિલા સશક્તિકરણ અંગે વાત કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, અગાઉના શાસકો અને વિપક્ષી પક્ષો માત્ર ચૂંટણી ટાણે મહિલા ઉત્કર્ષની મોટી-મોટી વાતો જ કરતા રહ્યા, પરંતુ જ્યારે સંસદ કે વિધાનસભામાં સાચા અર્થમાં મહિલાઓને હક અને વોટિંગ આપવાની વાત આવી ત્યારે હંમેશા પીછેહઠ કરી છે. મોદી સરકારે મહિલાઓને યોગ્ય પ્રતિનિધિત્વ આપવા માટે મક્કમ નિર્ધાર કર્યો છે. આ બિલથી માત્ર ભાજપ કે NDA ને જ નહીં, પરંતુ દેશના દરેક પક્ષની અને સરવાળે ભારતની તમામ મહિલાઓને તેમનો સાચો અધિકાર મળશે. લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓની ભાગીદારી વધવાથી દેશને વિકસિત ભારત બનાવવાનું પીએમ મોદીનું વિઝન સાકાર થશે.




