GUJRAT NEWS: ઉત્તર ગુજરાતના તબીબી ક્ષેત્રે વિસનગર સ્થિત નૂતન જનરલ હોસ્પિટલ અને નૂતન મેડિકલ કોલેજે ફરી એકવાર પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગ દ્વારા એક અત્યંત જટિલ અને પડકારજનક સ્પાઇન (કરોડરજ્જુ) સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. નૂતન જનરલ હોસ્પિટલ, વિસનગર ખાતે ઉપલબ્ધ આધુનિક ટેક્નોલોજી, અદભુત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અનુભવી સ્પાઇન સર્જનની ટીમને કારણે આ સફળ ઓપરેશનના કારણે છેલ્લા એક વર્ષથી ચાલવા-ફરવામાં સંપૂર્ણ અસમર્થ બનેલી એક પ્રૌઢ મહિલાને નવી આશા અને નવું જીવન મળ્યું છે.
અંતરિયાળ વિસ્તારના દર્દીની ગંભીર સ્થિતિ
મૂળ વિરમપુર જેવા અંતરિયાળ વિસ્તારમાં રહેતા 50 વર્ષીય મહિલા છેલ્લા લગભગ એક વર્ષથી કમરના અસહ્ય દુખાવાથી પીડાતા હતા. સમય જતાં આ બીમારી એટલી વધી ગઈ કે તેમના બંને પગમાં ગંભીર નબળાઈ આવી ગઈ અને તેમણે ધીમે-ધીમે ચાલવાની ક્ષમતા ગુમાવી દીધી. સ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે તેઓ સંપૂર્ણપણે પથારીવશ થઈ ગયા હતા અને તેમનું જીવન અત્યંત મુશ્કેલીભર્યું બની ગયું હતું.
અમદાવાદ સિવિલના પૂર્વ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. જે.પી. મોદી દ્વારા સચોટ નિદાન
દર્દી જ્યારે નૂતન મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ, વિસનગર ખાતે સારવાર માટે આવ્યા, ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ભૂતપૂર્વ સુપ્રિન્ટેન્ડેન્ટ અને હાલ નૂતન હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના વડા ડૉ. જે.પી. મોદી તથા તેમની નિષ્ણાત ટીમ દ્વારા દર્દીની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. તમામ જરૂરી બ્લડ ટેસ્ટ અને આધુનિક એમ.આર.આઈ. સ્કેન કરાવતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. રિપોર્ટમાં દર્દીને “પોટ્સ સ્પાઇન”હોવાનું નિદાન થયું હતું.

સ્પાઇન ટીબી શું છે?
આ ક્ષયરોગનો એક એવો ગંભીર પ્રકાર છે જેમાં ચેપ સીધો કરોડરજ્જુના હાડકાં અને તેની આસપાસની નસો પર અસર કરે છે. જો યોગ્ય સમયે આની સારવાર ન મળે તો નસો પર દબાણ આવવાને કારણે દર્દીને પેરાલિસિસ (લકવો) થઈ શકે છે અને તે કાયમી અશક્તિનો ભોગ બની શકે છે. ભારતમાં કુલ ટી.બી.ના કેસોમાં સ્પાઇન ટી.બી.ના કેસો નોંધપાત્ર પ્રમાણમાં જોવા મળે છે.
જટિલ સર્જરી અને કલાકોની ભારે જહેમત
દર્દીની ગંભીર અને પેરાલિસિસ તરફ વધતી સ્થિતિને ધ્યાનમાં રાખીને ડૉ. જે.પી. મોદી સાહેબ દ્વારા તાત્કાલિક સર્જરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઓપરેશનનો મુખ્ય હેતુ કરોડરજ્જુની નસો પરનું દબાણ દૂર કરવાનો, સ્પાઇનને મજબૂત સ્થિરતા આપવાનો અને દર્દીને ફરીથી પોતાના પગ પર ઊભા કરવાનો હતો. ઓપરેશન દરમિયાન લેવાયેલા સેમ્પલના GeneXpert ટેસ્ટમાં પણ સ્પાઇન ટી.બી. પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ હતી.
દર્દીની સ્થિતિમાં સુધારો અને ફિઝિયોથેરાપી શરૂ
સર્જરી બાદ દર્દીની સ્થિતિ હાલ સંપૂર્ણપણે સ્થિર અને સંતોષકારક છે. રાષ્ટ્રીય એન્ટી-ટીબી પ્રોગ્રામ હેઠળ દર્દીને ટી.બી.ની ચોક્કસ દવાઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. ઓપરેશનના સફળ પરિણામે દર્દીમાં ધીમે-ધીમે ન્યુરોલોજીકલ સુધારો (પગની ચેતના પાછી આવવી) જોવા મળી રહ્યો છે અને હાલ તેઓ ફિઝિયોથેરાપી હેઠળ ઝડપી પ્રગતિ કરી રહ્યા છે. નૂતન જનરલ હોસ્પિટલ, વિસનગર ખાતે ઉપલબ્ધ આધુનિક ટેક્નોલોજી, અદભુત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અનુભવી સ્પાઇન સર્જનની ટીમને કારણે હવે ઉત્તર ગુજરાતના દર્દીઓને અમદાવાદ કે મુંબઈ જેવા મહાનગરો સુધી લાંબા થવું પડતું નથી. સ્થાનિક સ્તરે જ અત્યંત કિફાયતી દરે વૈશ્વિક કક્ષાની સારવાર મળી રહી છે.




