AHEMDABAD NEWS: અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં લગ્નની ખોટી લાલચ આપીને પરપ્રાંતીય યુવતી પર અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભોગ બનનાર યુવતી ગર્ભવતી બન્યા બાદ આરોપી પ્રેમીએ લગ્ન કરવાનો સાફ ઇનકાર કરી દેતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. દાણીલીમડા પોલીસે આ મામલે પીડિતાની ફરિયાદના આધારે તાત્કાલિક ગુનો નોંધીને આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લગ્ન પ્રસંગમાં આવેલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી
દાણીલીમડા પોલીસ ઇન્સ્પેક્ટર સી.ટી. દેસાઈ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, મૂળ બિહારની રહેવાસી ૨૦ વર્ષીય યુવતી અગાઉ અમદાવાદમાં તેના એક પરિચિત-સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે આવી હતી. લગ્ન બાદ તે અમદાવાદ ખાતે જ રોકાઈ ગઈ હતી. આ સમયગાળા દરમિયાન, યુવતી દાણીલીમડાના બેરલ માર્કેટ પાસે રહેતા દાનિશ અતાઉર રહેમાન શેખ નામના પરિચિત યુવકના સંપર્કમાં આવી હતી. દાનિશે યુવતી સાથે મિત્રતા કેળવી તેને પ્રેમજાળમાં ફસાવી દીધી હતી. ત્યારબાદ, દાનિશે યુવતીને તેની સાથે જ લગ્ન કરવાની ખોટી લાલચ અને ખાતરી આપીને તેની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા, જેના કારણે યુવતી ગર્ભવતી બની ગઈ હતી.

વતનમાં માતા સામે ભાંડો ફૂટ્યો
યુવતી ગર્ભવતી બન્યાના થોડા સમય બાદ જ્યારે પોતાના વતન બિહાર ગઈ હતી, ત્યારે તેની શારીરિક સ્થિતિ બદલાતા માતાને શંકા ગઈ હતી. માતાની કડકાઈથી પૂછપરછ દરમિયાન યુવતી ભાંગી પડી હતી અને તેણે અમદાવાદમાં દાનિશ શેખ નામના યુવકે લગ્નની લાલચ આપીને કરેલા દુષ્કર્મની આપવીતી જણાવી હતી. વતનમાં પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ થયા બાદ, પરિવારના સભ્યો યુવતીને ન્યાય અપાવવા માટે અમદાવાદ આવ્યા હતા.
લગ્નની ના પાડતા અંતે પોલીસ ફરિયાદ
અમદાવાદ પરત આવ્યા બાદ પીડિત યુવતીએ દાનિશ સમક્ષ લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને પોતે ગર્ભવતી હોવાની વાત કરી હતી. પરંતુ, પાપી દાનિશે પોતાના વચનથી ફરી જઈને લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી અને યુવતીને તરછોડી દીધી હતી. અંતે કોઈ આરો ન રહેતા યુવતીએ તારીખ ૧૮ જૂન ના રોજ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ન્યાય માટે ધા નાખી હતી. પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને ભારતીય ન્યાય સંહિતાની કલમ 69 હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ આરોપી દાનિશ અતાઉર રહેમાન શેખની ધરપકડ કરી લીધી છે.
પોલીસ તપાસ અને આગળની કાર્યવાહી
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી દાનિશ અપરિણીત છે અને વિસ્તારમાં છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેનો કોઈ અગાઉનો ગુનાહિત ઇતિહાસ નથી. હાલમાં દાણીલીમડા પોલીસ દ્વારા આ કેસમાં કાયદાકીય પુરાવા મજબૂત કરવા માટે આસપાસના રહીશો અને સાક્ષીઓના નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ સાથે જ વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરવા માટે આરોપી દાનિશ અને ભોગ બનનાર યુવતી બંનેના મેડિકલ પરીક્ષણ કરાવવાની તેમજ DNA સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.




