JUNAGADH NEWS: ગુજરાત હાઇકોર્ટે જૂનાગઢની 13 વર્ષની સગીર દુષ્કર્મ પીડિતાને 19 અઠવાડિયાના ગર્ભપાત માટે મંજૂરી આપતાં એક અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ કેસમાં અદાલતે પીડિતાની શારીરિક સ્થિતિ, માનસિક આઘાત અને તબીબી નિષ્ણાતોના અભિપ્રાયને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ગર્ભપાત કરવાની મંજૂરી આપી છે. મળતી માહિતી મુજબ, જૂનાગઢની આ સગીર પીડિતાના વતી હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. પીડિતા 13 વર્ષની છે અને દુષ્કર્મના કારણે તે 19 અઠવાડિયાના ગર્ભથી પીડિત હતી. આ મામલે ઉના પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા પોક્સ એક્ટ હેઠળ ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા છે.
અરજીમાં પીડિતાના ગર્ભપાતની મંજૂરી માંગવામાં આવી હતી, કારણ કે સગીર વયે ગર્ભાવસ્થા તેના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઉભું કરી શકે છે. આ સાથે પીડિતાને લાંબા ગાળાનો માનસિક આઘાત ન થાય તે બાબત પણ મુખ્ય આધાર તરીકે રજૂ કરવામાં આવી હતી. હાઇકોર્ટના અગાઉના આદેશ અનુસાર, GMERS મેડિકલ કોલેજ હોસ્પિટલ, જૂનાગઢના નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા પીડિતાની તબીબી તપાસ કરવામાં આવી હતી. તબીબી રિપોર્ટમાં જણાવાયું હતું કે ગર્ભપાત તબીબી રીતે શક્ય છે અને હાલની પરિસ્થિતિમાં જોખમ ઓછું છે. જોકે, પીડિતામાં એનિમિયા (લોહીની કમી) જોવા મળતાં તબીબોએ સૂચવ્યું હતું કે ગર્ભપાત પહેલાં તેની સંપૂર્ણ સારવાર અને મલ્ટી-ડિસિપ્લિનરી અભિગમ અપનાવવો જરૂરી છે.
કોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે રજૂ કરેલા તબીબી અહેવાલ અને નિષ્ણાતોના અભિપ્રાયોને ગંભીરતાથી લેવામાં આવ્યા હતા. હાઇકોર્ટે પોતાના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટના અગાઉના મહત્વપૂર્ણ ચુકાદાઓનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દુષ્કર્મના પરિણામે થતી ગર્ભાવસ્થા સ્ત્રીના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરે છે. પ્રજનન સંબંધિત નિર્ણયો લેવાનો અધિકાર પણ સામેલ છે. સગીર પીડિતાને દુષ્કર્મ કરનારના ગર્ભને આગળ લઈ જવા માટે મજબૂર કરવું તેના બાળપણ, માનસિક સ્વાસ્થ્ય અને ભવિષ્ય માટે અત્યંત હાનિકારક સાબિત થઈ શકે છે.
આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે પીડિતાને ગર્ભપાત કરવાની મંજૂરી આપી હતી. સાથે જ GMERS મેડિકલ કોલેજના સુપ્રિન્ટેન્ડન્ટને આદેશ આપવામાં આવ્યો છે કે ત્રણ સિનિયર ગાયનેકોલોજિસ્ટ અને એક સાયકિયાટ્રિસ્ટ સહિતની વિશેષ તબીબી ટીમ રચીને તાત્કાલિક આ પ્રક્રિયા હાથ ધરવામાં આવે. કોર્ટે વધુમાં સ્પષ્ટ કર્યું છે કે ગર્ભપાત દરમિયાન મળતા ગર્ભના પેશીઓના નમૂનાઓ વૈજ્ઞાનિક રીતે એકત્રિત કરી સંબંધિત તપાસ અધિકારીને DNA ઓળખ અને પુરાવા માટે સોંપવામાં આવે, જેથી કાયદાકીય પ્રક્રિયા આગળ વધી શકે.
અદાલતે આ પણ જણાવ્યું છે કે જો ગર્ભપાત દરમિયાન બાળક જીવિત જન્મે તો તેને તાત્કાલિક શ્રેષ્ઠ તબીબી સારવાર આપવામાં આવે, જેથી તેની જીવનરક્ષા અને સ્વસ્થ વિકાસ સુનિશ્ચિત થઈ શકે. નિર્ણય સાથે હાઇકોર્ટે પીડિતાના અધિકારો, માનસિક સ્વાસ્થ્ય અને માનવીય સંવેદનાને કેન્દ્રમાં રાખીને એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે કે આવા સંવેદનશીલ મામલાઓમાં કાયદો માત્ર દંડાત્મક નહીં પરંતુ સુરક્ષાત્મક અને માનવતાવાદી અભિગમ પણ અપનાવે છે.




