Gujarat Ni Vaat

જામનગરમાં અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે હવામાન પલટાયું: છૂટાછવાયા વરસાદની સંભાવના

Share On :

JAMNAGAR NEWS: જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે હવામાનમાં એકાએક નોંધપાત્ર પલટો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારી ઉઠેલા જામનગરવાસીઓને આજે સવારથી જ કુદરતે થોડી રાહત આપી છે. આજે સવારથી જ આકાશમાં કાળા અને સફેદ વાદળોની ઘેરાબંધી જોવા મળી રહી છે. સૂર્યનારાયણ પણ વાદળોની ઓથમાં છુપાઈ જતાં સમગ્ર શહેરમાં દિવસભર ધૂપ-છાંવ જેવો આહલાદક માહોલ સર્જાયો છે.

વાતાવરણમાં આવેલા આ અચાનક બદલાવ અને પવનની બદલાયેલી દિશાના કારણે ગરમીનો પારો થોડો હેઠો ઉતર્યો છે, જેનાથી સ્થાનિક લોકોને બફારામાંથી મોટી શાંતિ મળી છે. આકાશની વર્તમાન સ્થિતિ જોતાં ચોમાસા જેવો માહોલ પ્રતિત થઈ રહ્યો છે. હવામાન નિરીક્ષકોના જણાવ્યા અનુસાર, જામનગરમાં સામાન્ય રીતે દરરોજ ફૂંકાતા 30 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી પવનોની ગતિ આજે નોંધપાત્ર રીતે ધીમી પડી ગઈ છે. પવનની ઝડપ ઘટવાના કારણે વાતાવરણમાં એક ચોક્કસ પ્રકારનું લો-પ્રેશર (દબાણની સ્થિતિ) સર્જાઈ રહ્યું છે.

હવામાનશાસ્ત્રીઓના મતે આ પ્રકારની પરિસ્થિતિ આગામી સમયમાં સારો વરસાદ લાવવા માટે અત્યંત અનુકૂળ ગણાય છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ ભાગો સહિત હાલાર પંથકમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીના પગલે જામનગર શહેર ઉપરાંત જામજોધપુર, ધ્રોલ, કાલાવડ, લાલપુર અને જોડિયા સહિતના તાલુકા મથકોએ આગામી 14 થી 48 કલાકમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં અથવા હળવો વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વાદળછાયા વાતાવરણને પગલે ધરતીપુત્રોમાં પણ વાવણી લાયક વરસાદ થવાની આશા જાગી છે.