JUNAGADH NEWS : જૂનાગઢ શહેરમાંથી કાયદો અને વ્યવસ્થા તેમજ સામાજિક મૂલ્યોને હચમચાવી મૂકનારી એક અત્યંત ચોંકાવનારી અને દર્દનાક ઘટના સામે આવી છે. અહીં માત્ર સોપારી ખાવા જેવી તદ્દન મામૂલી બાબતમાં પતિ-પત્ની વચ્ચે શરૂ થયેલો વિવાદ એટલો હિંસક સ્વરૂપ ધારણ કરી ગયો કે નરાધમ પતિએ પોતાની જ પત્ની પર જીવલેણ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલી પત્નીનું રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. ક્ષણિક આવેશ અને ગુસ્સાના કારણે એક હસતો-રમતો પરિવાર પળભરમાં ઉજ્જડ થઈ ગયો છે.
બાધા હોવા છતાં સોપારી ખાતા વિવાદ વણસ્યો
ઘટનાની વિગત એવી છે કે, જૂનાગઢના ધરાનગર વિસ્તારમાં ભોલાભાઈ ગોવિંદભાઈ સોલંકી અને તેમની પત્ની જ્યોતિબેન સોલંકી રહેતા હતા. ગત 8 જૂનના રોજ આ દંપતી પોતાના એક સંબંધીના ઘરે પ્રસંગમાં ગયું હતું. જ્યોતિબેને અગાઉ ધાર્મિક આસ્થાના ભાગરૂપે ‘સોપારી ન ખાવાની’ કોઈ બાધા રાખી હતી. તેમ છતાં સંબંધીના ઘરે તેમણે સોપારી ખાતા પતિ ભોલાભાઈ સોલંકી એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. આ બાબતે સંબંધીઓના ઘરે જ બંને વચ્ચે ભારે તુતુ-મૈમૈ અને ઉગ્ર બોલાચાલી થઈ હતી.
ઘરમાં પગ મૂકતા જ લોખંડના કડાથી હુમલો
સંબંધીઓના ઘરેથી પરત ફર્યા બાદ પણ પતિ ભોલાનો ગુસ્સો શાંત થયો નહોતો. ઘરમાં પગ મૂકતાની સાથે જ આ વિવાદે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આવેશમાં અંધ બનેલા ભોલાએ પત્ની જ્યોતિબેનને બેફામ ગાળો આપી આડેધડ માર મારવાનું શરૂ કર્યું હતું. આટલેથી ન અટકતા, તેણે પોતાના હાથમાં પહેરવાનું લોખંડનું ભારે કડું તેમજ અન્ય બોથડ પદાર્થો જ્યોતિબેનના માથામાં ઉપરાછાપરી ઝીંકી દીધા હતા. માથામાં ગંભીર ઈજાઓ થવાના કારણે જ્યોતિબેન લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યા હતા.
4 દિવસની સારવાર બાદ મોત, પરિવારમાં માતમ
લોહીથી લથપથ હાલતમાં જ્યોતિબેનને પરિવારજનો તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જો કે, તેમની સ્થિતિ અત્યંત નાજુક જણાતા તબીબોએ તેમને વધુ સારવાર માટે રાજકોટ રિફર કર્યા હતા. જ્યાં છેલ્લા ચાર દિવસથી જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ અંતે જ્યોતિબેને દમ તોડી દીધો હતો. પરિણીતાના અવસાનથી માસૂમ બાળકો અને પિયર પક્ષના પરિવારમાં ભારે માતમ છવાઈ ગયો છે.
હત્યારા પતિને જેલના સળિયા પાછળ ધકેલાયો
આ મામલે શરૂઆતમાં જ્યોતિબેનના ભાઈએ જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં માત્ર હુમલો અને હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ હવે હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ્યોતિબેનનું અવસાન થતાં પોલીસે આ ગુનામાં કાયદેસર રીતે હત્યાની કલમનો ઉમેરો કર્યો છે. પોલીસે ત્વરિત કાનૂની કાર્યવાહી હાથ ધરીને પત્નીના હત્યારા નરાધમ પતિ ભોલા સોલંકીની ધરપકડ કરી લીધી છે અને તેને જેલના સળિયા પાછળ ધકેલી દઈ આગળની તપાસ શરૂ કરી છે.




