SOMNATH NEWS: સોમનાથ મંદિર નજીક સાગરદર્શન તરફ જતો આશરે 100 વર્ષ જૂનો જાહેર માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હોવાના આક્ષેપોને લઈને ગુજરાત હાઇકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાઈ હતી. ગીર સોમનાથ જિલ્લાના 39 અરજદારોએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને રજૂઆત કરી હતી કે સોમનાથ મંદિરની બાઉન્ડ્રી પાસે આવેલો ઐતિહાસિક માર્ગ દિવાલ બાંધીને બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે સ્થાનિક નાગરિકો અને પ્રવાસીઓને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. અરજદારોની રજૂઆતને ગંભીરતાથી લેતા ગુજરાત હાઇકોર્ટે અગાઉની સુનાવણી દરમિયાન કેટલાક કડક પ્રશ્નો ઉઠાવ્યા હતા.
કોર્ટે પૂછ્યું હતું કે જાહેર માર્ગ બંધ કરવાનો અધિકાર મંદિર ટ્રસ્ટને કોણે આપ્યો? નાગરિકો ક્યાંથી પસાર થાય અને ક્યાં ન જાય તે નક્કી કરવાનો અધિકાર કોઈ સંસ્થા કે સત્તાધીશને કેવી રીતે મળી શકે? કોર્ટે સ્પષ્ટ ટિપ્પણી કરી હતી કે આ કોઈ સૈન્ય વિસ્તાર નથી પરંતુ જાહેર ધાર્મિક સ્થળ છે, જ્યાં લોકોની અવરજવર પર મનસ્વી નિયંત્રણ લાદી શકાય નહીં. કોર્ટે જિલ્લા કલેક્ટરની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા હતા. અરજદારોના જણાવ્યા મુજબ ફેબ્રુઆરી મહિનામાં આ મુદ્દે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ ચાર મહિના સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નહોતો.
હાઇકોર્ટે પૂછ્યું હતું કે નાગરિકોની રજૂઆત પર કાર્યવાહી કરવામાં આટલો વિલંબ કેમ થયો? તેમજ 1920ના નકશામાં દર્શાવાયેલ માર્ગ અચાનક ખાનગી કે પ્રતિબંધિત વિસ્તાર કેવી રીતે બની શકે તે અંગે પણ સ્પષ્ટતા માંગવામાં આવી હતી. આજની સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર તરફથી મુખ્ય સરકારી વકીલે કોર્ટ સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અરજદારો દ્વારા જે રીતે રોડ બંધ કરાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે, તે હકીકતથી વિપરીત છે. સરકારના જણાવ્યા અનુસાર સાગરદર્શન તરફ જતો માર્ગ હાલ પણ ખુલ્લો છે અને નાગરિકો તેનો ઉપયોગ કરી શકે છે.
સરકારી વકીલે કોર્ટને જણાવ્યું કે સાગરદર્શન તરફ જતો માર્ગ દિવાલથી અવરોધિત નથી. માર્ગ વચ્ચે આવેલ ચબૂતરા અને આસપાસના વિસ્તારના નકશા તેમજ વિડિયો પુરાવા આગામી સુનાવણી દરમિયાન કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ પુરાવાઓ દ્વારા માર્ગ ખુલ્લો હોવાની સ્થિતિ વધુ સ્પષ્ટ થશે. હાલ મામલો ગુજરાત હાઇકોર્ટમાં વિચારાધીન છે અને આગામી સુનાવણીમાં સરકાર તરફથી વિડિયો, નકશા અને અન્ય દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવશે. કોર્ટ હવે બંને પક્ષોની દલીલો અને રજૂ થયેલા પુરાવાઓના આધારે આગળનો નિર્ણય કરશે. આ કેસ સ્થાનિક નાગરિકોના અવરજવર અધિકાર, જાહેર માર્ગોના સંરક્ષણ અને ધાર્મિક સ્થળોની સુરક્ષા વચ્ચે સંતુલન જાળવવાના મુદ્દે મહત્વપૂર્ણ બની ગયો છે.




