BANASKANTHA NEWS: બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાંથી કાળજું કંપાવી દેનારા એક અત્યંત ગમખ્વાર અને ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. તાલુકાના પીપળાવાળી ગામ નજીક દર્દીને લઈને જઈ રહેલી એક બેકાબૂ જીપે બાઇકને જોરદાર ટક્કર મારી હતી અને ત્યારબાદ રોડ કિનારે આવેલા બસ પિક-અપ સ્ટેન્ડમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે પિક-અપ સ્ટેન્ડના પિલર તૂટી જતાં તેની આખી ભારેખમ કોંક્રિટની છત જીપ પર કડડભૂસ થઈને તૂટી પડી હતી. આ ભયાનક દુર્ઘટનામાં એક માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 8થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
મળતી વિગતો અનુસાર, આ આખી ઘટના ત્યારે બની જ્યારે પીપળાવાળી ગામમાંથી એક બીમાર દર્દીની તબિયત વધુ બગડતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવા માટે એક ખાનગી જીપ ભાડે કરવામાં આવી હતી. દર્દીને વહેલી તકે હોસ્પિટલ પહોંચાડવાની ઉતાવળમાં જીપના ચાલકે વાહન પૂરપાટ ઝડપે દોડાવ્યું હતું. દરમિયાન, ચાલકે અચાનક જ જીપના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલી જીપે સૌપ્રથમ રસ્તા પરથી પસાર થઈ રહેલા એક મોટરસાયકલને અડફેટે લીધું હતું. બાઇક સવારને કચડ્યા બાદ પણ જીપ ઊભી રહી નહોતી અને તે સીધી જ રસ્તાની બાજુમાં પાકા બનાવેલા બસ પિક-અપ સ્ટેન્ડના પિલર સાથે ધડાકાભેર અથડાઈ હતી
ટક્કર એટલી જોરદાર હતી કે પિક-અપ સ્ટેન્ડના પિલર તૂટી પડ્યા હતા અને આખી છત જીપની ઉપર જ પડી ગઈ હતી. ભારેખમ છત પડવાના કારણે જીપનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને જીપની અંદર સવાર દર્દી અને તેના સગા-સંબંધીઓ કાટમાળ નીચે લોહીલુહાણ હાલતમાં દબાઈ ગયા હતા. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવીને કાટમાળ નીચેથી લોકોને બહાર કાઢવાનું રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતુ.
હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ઘાયલો પૈકી 8 લોકોની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિની હાલત પણ નાજુક છે. દાંતાની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ, ઇજાગ્રસ્તોની ગંભીર સ્થિતિને જોતાં તેમને વધુ સ્પેશિયલિસ્ટ સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ક્રેનની મદદથી કાટમાળ હટાવી અકસ્માતગ્રસ્ત વાહનોને દૂર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




