Gujarat Ni Vaat

સુરત કલેક્ટર કચેરીમાં હાઈ-લેવલ બેઠક : પૂર અસરગ્રસ્તોને સહાયની ચૂકવણી શરૂ, સફાઈ માટે 4500 કર્મીઓ કામે લાગ્યા

Share On :

Surat News : સુરત શહેરમાં આવેલા આવેલા ભારે વરસાદ બાદ જનજીવનને ઝડપથી પાટા પર લાવવા માટે રાજ્ય સરકાર ખૂબ જ સક્રિય બની છે. આ દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સુરત કલેક્ટર કચેરી ખાતે મોડી રાત સુધી એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો બાદ વહીવટી તંત્ર દ્વારા આગામી 72 કલાકમાં દિવસ-રાત કામ કરીને શહેરની સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય બનાવવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે. પૂર બાદની વિકટ સ્થિતિને પહોંચી વળવા માટે નાયબ મુખ્યમંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી છે કે કોઈ પણ અસરગ્રસ્ત નાગરિક સહાયથી વંચિત ન રહેવો જોઈએ. આ અભિયાનને સફળ બનાવવા માટે જુદી જુદી ટીમોની રચના કરવામાં આવી છે, જે ક્ષેત્રમાં જઈને તાત્કાલિક કામગીરી કરશે.

અસરગ્રસ્ત પરિવારો માટે સહાયનું વિતરણ

સરકારની પ્રાથમિકતા અસરગ્રસ્તોને તત્કાળ રાહત પહોંચાડવાની છે. બેઠકમાં મળેલી માહિતી મુજબ અત્યાર સુધીમાં પૂરથી પ્રભાવિત સોસાયટીઓમાં 9100 પરિવારોનો ડોર-ટુ-ડોર સર્વે પૂર્ણ કરી લેવામાં આવ્યો છે. આ સર્વેના આધારે 800થી વધુ પરિવારોને ઘરવખરી અને કેસડોલ પેટે 6800 રૂપિયા લેખે સહાય ચૂકવી દેવામાં આવી છે. બાકીના અસરગ્રસ્ત લોકોને શુક્રવાર મોડી સાંજ સુધીમાં તેમની સોસાયટી સુધી પહોંચાડીને સહાયની પ્રક્રિયા પૂર્ણ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે જે વિસ્તારોમાં હજુ સર્વે બાકી રહી ગયો છે, ત્યાં પણ તાત્કાલિક સર્વે હાથ ધરીને સહાયની રકમ પહોંચાડવા માટે અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે.

કોમર્શિયલ એકમો માટે વિશેષ નીતિ

પૂરને કારણે વેપારીઓને થયેલા નુકસાન અંગે સરકાર ચિંતિત છે. આ સંદર્ભમાં 58 કોમર્શિયલ વિસ્તારોનો સર્વે પૂર્ણ કરી લેવામાં આવ્યો છે, અને હજુ પણ ડેટા એકત્રિત કરવાનું કામ ચાલુ છે. કોમર્શિયલ નુકસાન માટે સરકાર એક વિશેષ પોલિસી જાહેર કરશે, જેનો અમલ તાત્કાલિક ધોરણે થાય તે માટે આજથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને જે વેપારીઓ પાસે ઇન્સ્યોરન્સ છે, તેમના ક્લેમ ઝડપથી મંજૂર થાય તે માટે સરકાર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે RTO અને લીડ બેન્કરને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે, તેમજ ઇન્સ્યોરન્સ ક્લેમ માટે ઓનલાઈન બેન્ચ પણ કાર્યરત કરવામાં આવી છે, જેથી એપ્લિકેશન ઝડપથી પાસ થઈ શકે.

સ્વચ્છતા અને પાણી નિકાલનું મેગા અભિયાન

શહેરમાં સ્વચ્છતાના અભિયાનને વેગ આપવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ડસ્ટ્રીઝ અને વડોદરા મહાનગરપાલિકાની મદદથી 1000થી વધુ વધારાના કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે, જેથી કુલ 4500થી વધુ સફાઈ કામદારો શહેરને સ્વચ્છ બનાવવા માટે કામે લાગશે. હજુ પણ જે બેઝમેન્ટમાં પાણી ભરાયેલા છે, ત્યાંથી પાણી નિકાલ કરવા માટે વધારાના 50થી વધુ પંપ લગાવવામાં આવશે. આ કામગીરી માટે GIDC, GPCB અને DIC ના અધિકારીઓને ઇન્ચાર્જ બનાવીને ચોવીસ કલાક મોનિટરિંગ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. તંત્રનો એકમાત્ર ધ્યેય સુરતને ફરીથી પૂર્વવત અને સુરક્ષિત બનાવવાનો છે.