Gujarat Ni Vaat

કુદરતી આફત વચ્ચે સુરત પોલીસ બની તારણહાર: 118 બાળકો સહિત 300 થી વધુ લોકોના શ્વાસ બચાવ્યા

Share On :

SURAT NEWS: સુરત શહેરમાં કુદરતી આફત અને પૂરની કપરી પરિસ્થિતિ વચ્ચે સુરત પોલીસ જનતા માટે મજબૂત રક્ષણ કવચ બનીને ઊભી રહી છે. જ્યારે સમગ્ર શહેર મુશ્કેલીમાં મુકાયું હતું, ત્યારે પોતાની પરવા કર્યા વિના ખાખી વર્દીધારી વીરોએ દિવસ-રાત જોયા વગર લોકોની રક્ષા માટે મોરચો સંભાળ્યો હતો. સુરત પોલીસની આ અતૂટ સેવાની ભાવના, ફરજપરસ્તી અને સમયસૂચકતાએ સાબિત કરી દીધું છે કે તેઓ માત્ર કાયદાના રક્ષક જ નહીં, પરંતુ મુશ્કેલીના સમયમાં જનતાના સાચા તારણહાર અને મસીહા છે.

સુરત પોલીસની આ ઉમદા ફરજ અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ સરથાણા વિસ્તારમાં જોવા મળ્યું હતું. સરથાણા પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી. કે. પટેલ અને પીએસઆઈ એસ.ડી. ચૌધરીની સમગ્ર ટીમે પૂરના ધસમસતા પાણી વચ્ચે જીવના જોખમે ભારે જહેમત ઉઠાવી હતી. વિસ્તારની ‘આદર્શ નિર્વાસિત શાળા’માં પૂરના પાણી ભરાઈ જતાં ત્યાં ફસાયેલી ૭૫ માસૂમ બાળકીઓ અને 43 બાળકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.

સરથાણા પોલીસે ત્વરિત પગલાં ભરીને આ તમામ 118 બાળકોને અત્યંત સલામત રીતે રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. પોલીસની આ સમયસૂચકતાને કારણે એક મોટી હોનારત ટળી હતી અને માસૂમ બાળકોના જીવ બચી શક્યા હતા.આ ઉપરાંત, સુરત પોલીસે માત્ર સરથાણા જ નહીં પરંતુ શહેરના અલગ-અલગ પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી આશરે 200 જેટલા નાગરિકોને મોતના મુખમાંથી બહાર કાઢી આશ્રય સ્થાનો સુધી પહોંચાડ્યા છે.

ઘૂંટણસમા અને કમર સુધીના પાણીમાં ગરકાવ થયેલા વિસ્તારોમાં જઈને પોલીસે વડીલો, મહિલાઓ અને બાળકોને પોતાના ખભા પર બેસાડીને પણ સુરક્ષિત બહાર કાઢ્યા હતા. મુશ્કેલીના આ આકરા સમયમાં સુરત પોલીસે દાખવેલી આ અજોડ સેવાની મિસાલ અને બહાદુરી બદલ સમગ્ર શહેરમાં તેમની ભારે પ્રશંસા થઈ રહી છે. મુશ્કેલીમાં મુકાયેલા નાગરિકોની વહારે આવીને માનવતા મહેકાવવા બદલ સમગ્ર સુરતની જનતાએ સુરત પોલીસના આ વીર જવાનોને દિલથી સો સો સલામ અને વંદન પાઠવવામા હતા.