Gujarat Ni Vaat

કરોડોના બંગલા-ફ્લેટ વચ્ચે જનતા રામભરોસે! અમદાવાદના ગોતામાં ચોમાસાની શરૂઆતમાં જ ભયંકર ગંદકીથી સ્થાનિકો પરેશાન

Share On :

AHEMDABAD NEWS: અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પોશ અને અત્યંત વ્યસ્ત એવા ગોતા-વંદેમાતરમ રોડ પર છેલ્લા 20 દિવસથી ગટરના ગંદા પાણી ઉભરાવવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. કરોડો રૂપિયાના મોંઘા ફ્લેટ અને મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલો ધરાવતા આ વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારીના કારણે મુખ્ય માર્ગ પર જ ગટરના પાણીની નદીઓ વહી રહી છે. ચોમાસાની શરૂઆતમાં જ વહાલા-દવાલાની નીતિના આક્ષેપો સાથે સ્થાનિક જનતામાં AMC સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને સમગ્ર વિસ્તારમાં ભયંકર રોગચાળો ફેલાવવાનો મોટો ભય ઊભો થયો છે.

બપોર સુધીમાં આખો રોડ ગંદકીમાં ગરકાવ, કોમ્પ્લેક્સના બેઝમેન્ટ સુધી પાણી પહોંચ્યા

સ્થાનિક રહીશો અને વેપારીઓના જણાવ્યા અનુસાર, આ ગટરનું ગંદુ પાણી સેવી સ્વરાજ રોડ તરફથી સતત ઉભરાઈને વંદેમાતરમ મુખ્ય માર્ગ પર આવે છે. દરરોજ સવારથી જ ગટરનું પાણી વહેવાનું શરૂ થાય છે, જે બપોર સુધીમાં તો આખા રોડને પોતાની ઝપેટમાં લઈ લે છે. આ ગંદકી વૃંદાવન હાઇટ્સ અને સેન્ટર પોઇન્ટ જેવા મોટા કોમ્પ્લેક્સના બેઝમેન્ટ સુધી પહોંચી જાય છે, જેથી આખા બિલ્ડિંગમાં અસહ્ય દુર્ગંધ મારે છે અને સ્થાનિકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે.

માસૂમ બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં, સિક્યોરિટી ગાર્ડ પણ નોકરી છોડવા મજબૂર

સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે સેન્ટર પોઇન્ટ કોમ્પ્લેક્સના પ્રથમ માળ પર ચિલ્ડ્રન હોસ્પિટલ આવેલી છે. અહીં રોજ અનેક માસૂમ બાળકો સાજા થવા માટે અને સારવાર અર્થે આવે છે. પરંતુ હોસ્પિટલની નીચે ફેલાયેલી ભયંકર ગંદકી તથા મચ્છરોા ઉપદ્રવને કારણે આ બાળકો વધુ બીમાર પડી રહ્યા છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે કોમ્પ્લેક્સના સુરક્ષા ગાર્ડ પણ પોતાની તબિયત બગડવાના ડરથી અહીં નોકરી પર બેસવા તૈયાર નથી. સાજા થવાના બદલે લોકો વધુ બીમાર પડે તેવી સ્થિતિ અહીં સર્જાઈ છે.

નિવૃત્ત જજો માટે ખાસ વ્યવસ્થા, સામાન્ય જનતા રામભરોસે!

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર તંત્ર સામે સૌથી વધુ નારાજગી વહાલા-દવાલાની નીતિને લઈને છે. આશ્ચર્યની વાત એ છે કે આ ઉભરાતી ગટરવાળા રોડની બિલકુલ સામે જ નિવૃત્ત જજોના આલીશાન બંગલા આવેલા છે. જજોના બંગલા તરફનો રોડ કોર્પોરેશન દ્વારા એકદમ સાફ-સૂથરો અને ચકાચક રાખવામાં આવ્યો છે, જ્યારે તેની બિલકુલ સામે સામાન્ય જનતા અને વેપારીઓને નરકાગારમાં રિબાવા માટે છોડી દેવાયા છે.

વેપારીઓના ધંધા રોજગાર ચોપટ, અકસ્માતની વણઝાર

ગટરના પાણીના કારણે ગ્રાહકો ન આવતા સ્થાનિક વેપારીઓનો ધંધો તદ્દન ચોપટ થઈ ગયો છે, કંટાળીને કેટલાક લોકો તો દુકાન ખોલતા પણ નથી. બીજી તરફ, ગોદરેજ ગાર્ડન સિટી, ચાંદખેડા અને રાણિપ જેવા મહત્વના વિસ્તારોને જોડતો આ મુખ્ય માર્ગ હોવાથી અહીં ભારે ટ્રાફિક રહે છે.