SURAT NEWS: સુરત શહેરમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ખાડી પૂરની સ્થિતિ સર્જાઈ છે. સુરત મહાનગરપાલિકા, જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે આઈ ત્રીપલ સી ખાતેથી સતત ચોવીસ કલાક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વિશેષ અધિકારી શાલિની અગ્રવાલ, સુરત મ્યુનિસિપલ કમિશનર અને સુરત કલેક્ટર ખુદ સમગ્ર સ્થિતિ પર સીધી નજર રાખી રહ્યા છે.

સ્થળાંતર અને બચાવ કામગીરી
ખાડી પૂરના કારણે પ્રભાવિત થયેલા નીચાણવાળા વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં આશરે ૩,૯૦૦ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. બચાવ કામગીરીને વધુ વેગ આપવા માટે સુરત ફાયર બ્રિગેડની ૧૪ ટીમો તેમજ NDRF અને SDRFની ૯ ટીમો સતત કાર્યરત છે. વિશેષ અધિકારી શાલિની અગ્રવાલ અને સુરત પોલીસ કમિશનરે ડિંડોલી સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાં NDRFની ટીમ સાથે બોટ મારફતે રૂબરૂ નિરીક્ષણ કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
આરોગ્ય અને સફાઈ અભિયાન
પૂરના પાણી ઓસરવાની સાથે જ રોગચાળો ન ફેલાય તે માટે તંત્ર દ્વારા આગોતરા પગલાં લેવામાં આવ્યા છે. ૨૦૦ સભ્યોની આરોગ્ય ટીમ પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, જે વિસ્તારોમાંથી પાણી ઓસરી રહ્યા છે ત્યાં તાત્કાલિક સફાઈ કામગીરી શરૂ કરવા માટે 7000 જેટલા સફાઈ કર્મચારીઓ કામે લાગ્યા છે. સફાઈ અને પાણીના નિકાલ માટે અલગ-અલગ 234 જેટલા મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખાડીના પાણી સંપૂર્ણપણે ઓસરતા હજી થોડો સમય લાગી શકે તેમ હોવાથી તમામ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

પ્રભારી મંત્રીની ઉચ્ચ સ્તરીય બેઠક
ગુજરાત રાજ્યના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ પણ સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાકીદે સુરત પહોંચી રહ્યા છે. તેઓ સુરતના ઉચ્ચ વહીવટી અધિકારીઓ સાથે બેઠક યોજીને રાહત અને બચાવ કામગીરીની વિગતવાર સમીક્ષા કરશે. નાગરિકોને ધૈર્ય રાખવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે. આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત સમગ્ર પ્રશાસન નાગરિકોની સુરક્ષા માટે કટિબદ્ધ છે.




