AHEMDABAD NEWS: અમદાવાદ શહેરમાં આગામી સમયમાં યોજાનારી જગન્નાથજીની ભવ્ય રથયાત્રાના તહેવારને અનુલક્ષીને શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ચુસ્ત રાખવા માટે અમદાવાદ પોલીસ તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે. રથયાત્રા પૂર્વે અસામાજિક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામી દેવા પોલીસ કમિશનરની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચલાવવામાં આવી રહેલા ખાસ પેટ્રોલિંગ અને ચેકિંગ અભિયાન દરમિયાન એક મોટી સફળતા સાંપડી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ઓપરેશન પાર પાડીને ગેરકાયદેસર ઘાતક હથિયારોના મોટા જથ્થા સાથે એક રીઢા ગુનેગારને દબોચી લીધો છે.
રથયાત્રા જેવા સંવેદનશીલ સમયગાળા પહેલા આટલા ઘાતક હથિયારો પકડાતા મોટી અનિચ્છનીય ઘટના ટળી હોવાનું મનાય છે.આ કેસ અંગે પત્રકાર પરિષદમાં વિગતો આપતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલએ જણાવ્યું હતું કે, “ઝડપાયેલો આરોપી કરણસિંહ અત્યંત સાતિર ગુનેગાર છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે તે આ ગેરકાયદેસર હથિયારોનો જથ્થો મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતેથી સસ્તા ભાવે ખરીદીને લાવી રહ્યો હતો અને અમદાવાદ સહિત ગુજરાતના જુદા-જુદા વિસ્તારોમાં ઊંચા ભાવે ગેરકાયદે વેચાણ કરતો હતો.”

પકડાયેલો આરોપી કરણસિંહ કોઈ સામાન્ય ગુનેગાર નથી પરંતુ હિસ્ટ્રીશીટર છે. તેની સામે અગાઉ અમદાવાદ ગ્રામ્ય, મહેસાણા સહિત રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં હત્યાનો પ્રયાસ, લૂંટ, ધાડ અને આર્મ્સ એક્ટ જેવા 7 થી વધુ ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તે લાંબા સમયથી પોલીસ રડારમાં હતો.ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી વિરૂદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને તેની સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે.
આ હથિયારો અમદાવાદ શહેરમાં કોને-કોને સપ્લાય કરવાના હતા, ખરીદદારો કોણ હતા અને આ હથિયાર નેટવર્ક પાછળ બીજા કયા-કયા સ્થાનિક કે આંતરરાજ્ય ગુનેગારો સંડોવાયેલા છે તેની કડીઓ મેળવવા તપાસ તેજ કરવામાં આવી છે. આરોપીને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરીને પોલીસ રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેથી આ સમગ્ર હથિયાર તસ્કરીના રેકેટનો પર્દાફાશ કરી શકાય.




