Gujarat Ni Vaat

રથયાત્રા પૂર્વે અમદાવાદ નરોડામાંથી ₹4 લાખના ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા, કોર્ટે મંજૂર કર્યા રિમાન્ડ

Share On :

AHEMDABAD NEWS: અમદાવાદ શહેરમાં આગામી સમયમાં યોજાનારી પવિત્ર અષાઢી બીજની રથયાત્રાના તહેવારને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રાખવા તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે પોલીસ કમિશનરની સૂચનાથી શહેરભરમાં સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે નરોડા વિસ્તારમાંથી ચોક્કસ અને સચોટ બાતમીના આધારે દરોડો પાડીને 9.800 કિલોગ્રામ પ્રતિબંધિત ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે.

પોલીસ કાર્યવાહી દરમિયાન પકડાયેલા આ પ્રતિબંધિત ગાંજાની અંદાજિત બજાર કિંમત આશરે રૂ. ચાર લાખ જેટલી થવા જાય છે. ક્રાઇમ બ્રાન્ચે ગાંજાના આ જથ્થા ઉપરાંત ગુનામાં વપરાયેલા અન્ય સાધનો અને વાહન સહિત કુલ રૂ5.50 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. શહેરમાં લાંબા સમય બાદ આટલી મોટી માત્રામાં માદક પદાર્થનો જથ્થો પકડાતા ગુનાખોરી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. ધડપકડ કરાયેલા આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. આ જથ્થો અમદાવાદ શહેરમાં મોટા પાયે સપ્લાય કરવાના ઈરાદે લાવવામાં આવ્યો હતો.

આરોપીઓની કબૂલાત મુજબ, આ સમગ્ર હેરફેર પાછળ ‘મોહસીન’ નામના મુખ્ય સૂત્રધારનું મગજ હતું અને તેના દ્વારા જ આ આખું કામ સોંપવામાં આવ્યું હતું. તપાસમાં વધુમાં બહાર આવ્યું છે કે, પકડાયેલા આરોપીઓ પૈકીના એક ઇઝરાયલ ખાનને આ ગાંજાની હેરાફેરી કરવા બદલ મોટી રકમ ચૂકવવામાં આવી હતી. આ કેસ માત્ર અમદાવાદ પૂરતો સીમિત નથી, પરંતુ તેના તાર અન્ય રાજ્યો સાથે પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસના આધારે ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સુધી ફેલાયેલા ડ્રગ્સ સપ્લાય નેટવર્કની કડીઓ મેળવીને તે દિશામાં વધુ તપાસ લંબાવી છે.

આ રેકેટમાં અન્ય કેટલા સ્થાનિક અને બહારના શખ્સો સામેલ છે તે દિશામાં ચક્રો ગતિમાન કરાયા છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બંને આરોપીઓ વિરૂદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડ્રગ્સના મુખ્ય સપ્લાયર અને રિસીવર સુધી પહોંચવા માટે તેમજ વધુ પૂછપરછ અર્થે બંને આરોપીઓને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.