AHEMDABAD NEWS: અમદાવાદમાં સત્તાધારી પક્ષ દ્વારા ચોમાસા પૂર્વે કરોડો રૂપિયાના ખર્ચે ‘પ્રી-મોન્સૂન’ કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાના મોટા-મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા. પરંતુ, પશ્ચિમ ઝોનના પોશ અને શૈક્ષણિક ગણાતા યુનિવર્સિટી વિસ્તારના ગુલબાઈ ટેકરા રોડ પર આ દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે. હાલમાં આ મુખ્ય માર્ગની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે અને તંત્રની ઘોર બેદરકારીના કારણે સ્થાનિક રહીશો તેમજ વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
‘દેડકા ગાડી’ જેવા બિસ્માર રસ્તા અને બંધ સ્ટ્રીટ લાઈટો
ગુલબાઈ ટેકરા રોડ પર એટલા મોટા અને અસંખ્ય ખાડાઓ પડી ગયા છે કે રસ્તા પરથી પસાર થતી વખતે વાહનો સતત ઉછળકૂદ કરે છે. સ્થાનિક લોકો કટાક્ષમાં કહી રહ્યા છે કે કાંકરિયાની પ્રખ્યાત ‘દેડકા ગાડી’ ભલે બંધ થઈ ગઈ હોય, પણ તેનો અસલી અનુભવ આ માર્ગ પર અચૂક થાય છે. આ બિસ્માર રસ્તાના કારણે વાહનચાલકોમાં કમ્મર અને મણકાના દુખાવાની તકલીફો વધી રહી છે. વધુમાં, ચોમાસાની ઋતુ વચ્ચે આ માર્ગ પરની મોટાભાગની સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં હોવાથી રાત્રિના સમયે અકસ્માતનો ભય અનેકગણો વધી ગયો છે.

ગટર મિશ્રિત દૂષિત પાણીની ગંભીર સમસ્યા
રસ્તા ઉપરાંત ગુલબાઈ ટેકરા વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં ગટરનું ગંદુ પાણી ભળવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. છેલ્લા કેટલાક સમયથી સ્થાનિકોના ઘરોમાં અત્યંત વાસ મારતું અને કાળું પાણી આવી રહ્યું છે. આ દૂષિત પાણીના વપરાશના કારણે વિસ્તારના નાના બાળકો અને વડીલો ઝાડા-ઉલ્ટી અને કમળા જેવી પાણીજન્ય બીમારીઓનો ભોગ બની રહ્યા છે, જેના કારણે રહીશોમાં મહાનગરપાલિકાના આરોગ્ય અને એન્જિનિયરિંગ વિભાગ સામે તીવ્ર આક્રોશ છે.
ચૂંટણી ટાણે દેખાતા નેતાઓ ગાયબ: જનતામાં રોષ
સ્થાનિકોના જણાવ્યા અનુસાર નરકાગાર જેવી બનેલી આ પરિસ્થિતિ વચ્ચે સ્થાનિક જનતામાં શાસક પક્ષના સ્થાનિક કોર્પોરેટરો અને નેતાઓ પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે. રહીશોએ આક્ષેપ કર્યો છે કે, “ચૂંટણી સમયે ભાજપના નેતાઓ હાથ જોડીને વોટ માંગવા માટે અહીં લાઈનો લગાવતા હતા. પરંતુ આજે જ્યારે આખો વિસ્તાર મુશ્કેલીમાં છે અને પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે, ત્યારે કોઈ લોકપ્રતિનિધિ ડોકિયું કરવા પણ તૈયાર નથી.”




