RAJKOT NEWS: રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જેમના શિરે જવાબદારી છે, તેવા પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો જ ખુલ્લેઆમ લાંચ લેતા હોવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના વ્યસ્ત ગણાતા મક્કમ ચોક વિસ્તારમાં એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને 5 TRB જવાનો દ્વારા વાહનચાલકો પાસેથી ગેરકાયદેસર રીતે પૈસા પડાવવામાં આવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થયો છે. આ વીડિયો સામે આવ્યા બાદ રાજકોટ પોલીસ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, મક્કમ ચોક પાસે ટ્રાફિક નિયમન અને ચેકિંગના નામે ઊભેલી પોલીસ ટીમનો એક જાગૃત નાગરિકે ગુપ્ત વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવતા પાંચ TRB જવાનો વાહનોને રોકી રહ્યા છે અને તેમની પાછળ એક PSI પણ હાજર છે. વીડિયોના સૌથી ચોંકાવનારા દ્રશ્યોમાં, એક TRB જવાન એક રિક્ષા ચાલકને રોકીને તેની પાસેથી દંડની કોઈ પહોંચ ફાડ્યા વગર સીધા રૂા. 500 ની ચલણી નોટ લેતો કેમેરામાં કેદ થયો છે.
રિક્ષા ચાલક લાચાર બનીને ખિસ્સામાંથી નોટ કાઢીને જવાનના હાથમાં સરાજાહેર પકડાવે છે, અને જવાન પણ કોઈ પણ જાતના ડર વગર આ રકમ પોતાના ખિસ્સામાં સરકાવી દે છે. વીડિયો ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધ્યાને આવતા જ રાજકોટ પોલીસ કમિશનરે આ બાબતને અત્યંત ગંભીરતાથી લીધી છે. પ્રાથમિક તપાસના આધારે, ફરજ પર બેદરકારી દાખવવા, સત્તાનો દુરુપયોગ કરવા અને ભ્રષ્ટાચાર આચરવા બદલ વીડિયોમાં દેખાતા તમામ 5 TRB જવાનોને તાત્કાલિક અસરથી ફરજમુક્ત (સેવા સસ્પેન્ડ) કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ સાથે જ, ઘટનાસ્થળે હાજર રહેલા અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પર અંકુશ ન રાખવા બદલ સંબંધિત PSI સામે પણ ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે, “પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારને બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં.રાજકોટ પોલીસ વડાએ શહેરના નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈ પણ ટ્રાફિક જવાન કે પોલીસ કર્મચારી નિયમભંગના નામે પહોંચ વગર રોકડા પૈસા માંગે, તો તુરંત જ તેની ફરિયાદ કંટ્રોલ રૂમ અથવા ઉચ્ચ અધિકારીઓને કરવી. નાગરિકો ડિજિટલ માધ્યમથી જ દંડ ભરે અને આવા ભ્રષ્ટાચારને પ્રોત્સાહન ન આપે.




