AHEMDABAD NEWS: અમદાવાદની વિશ્વપ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રા સાથે સંકળાયેલી સરસપુરની એક અત્યંત મહત્વપૂર્ણ અને 149 વર્ષ જૂની ધાર્મિક પરંપરાનું આ વર્ષે પુનર્જીવન થવા જઈ રહ્યું છે. સરસપુર સ્થિત વાસણ શેરીમાં આવેલા ભગવાન જગન્નાથના પ્રાચીન મોસાળ અને જૂના રણછોડજી મંદિર ખાતેથી આ ઐતિહાસિક પરંપરાને નવી ભવ્યતા સાથે ફરી શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષો પહેલાં આ જ પવિત્ર સ્થાનેથી રથયાત્રા દરમિયાન સાધુ-સંતો અને ભક્તોના વિશ્રામ તેમજ ભગવાનના મામેરાની પરંપરાની શરૂઆત થઈ હતી.
વાસુદેવદાસજી મહારાજે શરૂ કરી હતી પરંપરા
ધાર્મિક ઇતિહાસ મુજબ, આ ભવ્ય પરંપરાની શરૂઆત પૂજ્ય વાસુદેવદાસજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. તે સમયથી રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથજીને મોસાળ પક્ષ તરફથી મામેરું અર્પણ કરવાની સાથે સાધુ-સંતો અને હજારો ભક્તો માટે વિશ્રામ તથા ભોજન પ્રસાદની વ્યવસ્થા અહીં કરવામાં આવતી હતી. સમયાંતરે આ પરંપરામાં વિરામ આવ્યો હતો, પરંતુ ૧૪૯ વર્ષ જૂની આ ધાર્મિક ધરોહરને હવે ફરીથી જીવંત કરવામાં આવી રહી છે.
સુદર્શન ચક્ર અને વાંસળી સહિતની ભેટ અર્પણ કરાશે
આ વર્ષે રથયાત્રાના પાવન અવસરે સરસપુરના પ્રાચીન રણછોડજી મંદિર ખાતે ભગવાન જગન્નાથજીને પરંપરાગત રીતે મામેરું અને વિવિધ ભેટ અર્પણ કરવામાં આવશે. આ મામેરામાં ભગવાન માટે ખાસ સુદર્શન ચક્ર, વાંસળી તેમજ અન્ય કિંમતી ભેટ સામગ્રી અર્પણ કરવામાં આવશે. આ સાથે જ રથયાત્રામાં પધારનારા સાધુ-સંતો, મહંતો અને મોટી સંખ્યામાં ભક્તજનો માટે ભવ્ય મહાપ્રસાદ અને ભોજન સેવાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતનું પ્રતીક
ધાર્મિક આગેવાનોના જણાવ્યા મુજબ, આ માત્ર એક ધાર્મિક વિધિ નથી પરંતુ અમદાવાદની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસત સાથે જોડાયેલી ઐતિહાસિક પરંપરા છે. 149 વર્ષ જૂની આ પરંપરાનું પુનઃસ્થાપન આગામી પેઢીને શહેરના ધાર્મિક ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે વધુ નજીકથી જોડશે. આ નિર્ણયથી ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ છે. રથયાત્રાના દિવસે સરસપુરનું આ પ્રાચીન રણછોડજી મંદિર ફરી એકવાર ભક્તિ, સેવા અને પરંપરાના અનોખા કેન્દ્ર તરીકે નવી ભવ્યતા સાથે ધમધમી ઉઠશે.




