AHEMDABAD NEWS: અમદાવાદ સ્માર્ટ સિટીમાં ટ્રાફિક નિયમોના લીધે લબડાતા ધજાગરાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના વ્યસ્ત ગણાતા દિલ્લી દરવાજાથી દૂધેશ્વર તરફ જતા BRTS કોરિડોર પર શાહીબાગ તરફથી રોંગ સાઇડમાં ઘૂસી આવતા વાહનચાલકોને કારણે સ્થાનિકો અને મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રોંગ સાઇડમાં આવતા આ વાહનોને લીધે અવારનવાર ગંભીર અકસ્માતની સ્થિતિ સર્જાઈ રહી છે. આજે એક જાગૃત નાગરિકે આ જોખમી પરિસ્થિતિનો સ્થળ પર જ લાઈવ વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેતા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે.
BRTS ટ્રેક બન્યો રોંગ સાઇડ ડ્રાઇવિંગનો અડ્ડો
મળતી માહિતી મુજબ, દિલ્લી દરવાજા અને દૂધેશ્વરને જોડતો આ BRTS રૂટ ખૂબ જ સંવેદનશીલ છે અને અહીંથી સતત બીઆરટીએસ બસોની અવરજવર રહે છે. આમ છતાં, શાહીબાગ તરફથી આવતા વાહનચાલકો સમય બચાવવાની લ્હાયમાં અને ટ્રાફિક સિગ્નલથી બચવા માટે પ્રતિબંધિત BRTS ટ્રેકની અંદર રોંગ સાઇડમાં બેફામ વાહનો હંકારી રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ડઝનબંધ બાઇકચાલકો અને થ્રી-વ્હીલર્સ કોઈ પણ પ્રકારના ડર વગર સામેથી આવતી BRTS બસોની સામે પોતાના વાહનો ઓવરસ્પીડમાં ચલાવી રહ્યા છે. આ પ્રકારની લાપરવાહી માત્ર વાહનચાલકો માટે જ નહીં, પરંતુ BRTSમાં મુસાફરી કરતા નિર્દોષ નાગરિકો માટે પણ જીવનું જોખમ ઊભું કરી રહી છે.
ડિવિઝન ટ્રાફિક પોલીસની ઘોર બેદરકારી, પોઈન્ટ પર જવાનો ગાયબ!
સ્થાનિક રહીશો અને વેપારીઓએ તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, આ આખો વિસ્તાર L ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. બહુ આશ્ચર્યની વાત છે કે જ્યારે જાગૃત નાગરિક દ્વારા આ વીડિયો શૂટ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે ઘટનાસ્થળે કોઈ પણ ટ્રાફિક પોલીસ કર્મચારી અથવા TRB (ટ્રાફિક બ્રિગેડ) ના જવાન હાજર નહોતા. નિયમ મુજબ, BRTS રૂટમાં ખાનગી વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ છે અને રોંગ સાઇડ ડ્રાઇવિંગ બદલ ભારે દંડની જોગવાઈ છે. આમ છતાં, L ડિવિઝન ટ્રાફિક પોલીસની ઢીલી નીતિ અને પોઈન્ટ પર જવાનોની ગેરહાજરીને કારણે રોંગ સાઇડ ચાલકોને છૂટો દોર મળી ગયો છે.
અકસ્માતનો વધતો ખતરો અને કાયમી ઉકેલની માંગ
આ માર્ગ પરથી રોજ હજારો નાગરિકો પસાર થાય છે. રોંગ સાઇડમાં ઓવરસ્પીડિંગના કારણે ગમે ત્યારે મોટો અને જીવલેણ અકસ્માત સર્જાઈ શકે છે તેવી ભીતિ સતત સેવાઈ રહી છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ ટ્રાફિક વિભાગ સામે અનેક સવાલો ઊભા થયા છે,સ્થાનિકોએ માંગ કરી છે કે રોંગ સાઇડ એન્ટ્રી રોકવા માટે આ રૂટ પર તાત્કાલિક અસરથી ‘ટાયર કિલર’ બમ્પ્સ અથવા મજબૂત બેરિકેડ્સ લગાવવામાં આવે જેથી કોઈ રોંગ સાઇડમાં ઘૂસી ન શકે.




