Gujarat Ni Vaat

બદલાયું રામ મંદિર ટ્રસ્ટનું માળખું: ચંપત રાયની જગ્યાએ હવે બજરંગ બાગડા સંભાળશે મહાસચિવ પદ

Share On :

AYODHYA NEWS: અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરીના ગંભીર આક્ષેપો અને ભારે હોબાળાની વચ્ચે આજે સોમવાર, 6 જુલાઈના રોજ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની એક અત્યંત મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ટ્રસ્ટના પદાધિકારીઓએ એક ઐતિહાસિક અને મોટો નિર્ણય લેતા વર્તમાન મહાસચિવ ચંપત રાયના રાજીનામાને સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી છે. ચંપત રાયની વિદાયની સાથે જ ટ્રસ્ટે સર્વસમ્મતિથી વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહાસચિવ બજરંગ લાલ બાગડાને રામ મંદિર ટ્રસ્ટના નવા મહાસચિવ તરીકે નિયુક્ત કર્યા છે.

રણનીતિક કારણોસર બેઠકથી દૂર રહ્યા નવા મહાસચિવ

રામ મંદિર પરિસરમાંથી મળેલા ગ્રાઉન્ડ રિપોર્ટ અનુસાર, નવનિયુક્ત મહાસચિવ બજરંગ લાલ બાગડા હાલમાં અયોધ્યા રામ મંદિર પરિસર ક્ષેત્રમાં જ હાજર છે. જો કે, રણનીતિક અને પ્રશાસનિક કારણોસર તેઓ સીધા જ ટ્રસ્ટની આ બેઠકમાં સહભાગી થયા ન હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, તમામ ઔપચારિક પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ તેઓ ખૂબ જ ટૂંક સમયમાં પોતાનો નવો કાર્યભાર સત્તાવાર રીતે સંભાળી લેશે.

કોણ છે બજરંગ લાલ બાગડા?

રામ મંદિર ટ્રસ્ટના વહીવટને પારદર્શક અને મજબૂત બનાવવા માટે જેમના ખભા પર આ મોટી જવાબદારી સોંપાઈ છે, બાગડા મૂળ રાજસ્થાનના સીકર જિલ્લાના વતની છે. તેમનું પ્રાથમિક શિક્ષણ સરકારી માધ્યમિક વિદ્યાલય, લોસલ (સીકર) ખાતે વર્ષ 1961 થી 1970 દરમિયાન થયું હતું. તેઓ બાળપણથી જ તેજસ્વી રહ્યા છે અને રાજસ્થાન બોર્ડમાં સ્ટેટ મેરિટ મેળવવાની સાથે નેશનલ મેરિટ સ્કોલરશિપ પણ મેળવી હતી. શાળાના દિવસોમાં તેઓ ફર્સ્ટ ક્લાસ સ્કાઉટ અને પેટ્રોલ લીડર પણ રહી ચૂક્યા છ તેમણે જયપુરની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી કોલેજ ઓફ કોમર્સમાંથી બી.કોમની ડિગ્રી લીધા બાદ, ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટેન્ટ્સ ઓફ ઇન્ડિયામાંથી સીએનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

દાન વિવાદ બાદ પારદર્શિતા લાવવાનો પ્રયાસ

છેલ્લા કેટલાક સમયથી રામ મંદિરમાં દાનને લઈને ચાલી રહેલા વિવાદો વચ્ચે, આટલી સિનિયર ફાઇનાન્સ પ્રોફાઇલ અને હિન્દુ સંગઠનોમાં મજબૂત પકડ ધરાવતા વ્યક્તિને મહાસચિવ બનાવવાનો નિર્ણય ઘણો સૂચક માનવામાં આવે છે. વિવાદોની વચ્ચે ચંપત રાયની એક્ઝિટ અને બજરંગ બાગડાની એન્ટ્રીથી આગામી દિવસોમાં ટ્રસ્ટની કામગીરીમાં મોટા વહીવટી ફેરફારો જોવા મળી શકે છે.