UNA NEWS: ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા ભારે વરસાદ અને ફૂંકાયેલા અતિ ઝડપી પવનના કારણે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. નદીઓના ધસમસતા પ્રવાહ અને દરિયાઈ તોફાનના કારણે ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામના ખાડી વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી હતી. અહીં દરિયાઈ ખાડી વિસ્તારમાં સુરક્ષિત રીતે લાંગરીને રાખવામાં આવેલી આશરે 5 થી 6 મોટી બોટ અને 2 થી 3 નાની હોડીઓ નદીના તેજ પ્રવાહ અને ભારે પવનના લીધે પોતાના લંગર તોડીને દરિયાના ઊંડા પાણીમાં તણાઈ ગઈ હતી.
આ દુર્ઘટના સમયે વહીવટી તંત્ર અને સ્થાનિકોને જાણવા મળ્યું હતું કે, તણાઈ ગયેલી બોટો પૈકીની એક બોટમાં ૪ સ્થાનિક માછીમારો સવાર હતા, જેઓ દરિયાના તોફાની મોજાં વચ્ચે ફસાઈ ગયા હતા અને તેમનો જીવ જોખમમાં મુકાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે ભારતીય કોસ્ટગાર્ડનો સંપર્ક કરવામાં આવ્યો હતો. માહિતી મળતાની સાથે જ કોસ્ટગાર્ડના જાંબાઝ જવાનોની ટીમ અત્યાધુનિક સંસાધનો સાથે રેસ્ક્યૂ ઓપરેશન માટે સૈયદ રાજપરા અને નવાબંદર દરિયાઈ વિસ્તાર તરફ રવાના થઈ હતી.
કોસ્ટગાર્ડના જવાનોએ પ્રતિકૂળ હવામાન અને દરિયાના જોખમી કરંટ વચ્ચે ભારે જહેમત ઉઠાવીને નવાબંદર નજીક દરિયામાંથી ફસાયેલી હોડી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. જવાનોએ સમયસૂચકતા અને બહાદુરી પૂર્વક બોટમાં ફસાયેલા ચારેય માછીમારોને એકપછી એક સહી-સલામત રીતે બહાર કાઢી લીધા હતા.કોસ્ટગાર્ડના સફળ ઓપરેશન બાદ આ ચારેય માછીમારોને સુરક્ષિત સ્થળે લાવી પ્રાથમિક સારવાર અને સહાય પૂરી પાડવામાં આવી છે.
સમયસર થયેલી આ કામગીરીને કારણે મોટી જાનહાનિ ટળી છે, જેને પગલે માછીમાર પરિવારો અને સ્થાનિક વહીવટી તંત્રએ કોસ્ટગાર્ડના જવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ માછીમારોને હજુ પણ દરિયો ન ખેડવા અને પોતાની બોટોને સુરક્ષિત સ્થળે બાંધી રાખવા કડક સૂચના આપવામાં આવી છે.




