Gujarat Ni Vaat

60 વર્ષના આમિર ખાને ગર્લફ્રેન્ડ ગૌરી સાથે કર્યા કોર્ટ મેરેજ, ત્રીજી વાર વસાવ્યો સંસાર

Share On :

entertainment news: બોલિવૂડના સુપરસ્ટાર આમિર ખાને પોતાના અંગત જીવનને લઈને ચાલી રહેલી તમામ અટકળોનો અંત આણી દીધો છે. 60 વર્ષીય અભિનેતા આમિર ખાને મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના નિવાસસ્થાને એક સાદગીપૂર્ણ સમારોહમાં ગર્લફ્રેન્ડ અને જાણીતી બિઝનેસવુમન ગૌરી સ્પ્રેટે સાથે કોર્ટ મેરેજ કરી લીધા છે. મુંબઈના ભારે વરસાદ વચ્ચે શનિવારે આમિર ખાનનું ઘર લાઈટોના શણગારથી ઝગમગી ઉઠ્યું હતું, જ્યાં માત્ર પરિવાર અને અત્યંત નજીકના મહેમાનોની હાજરીમાં આ નવું પ્રકરણ શરૂ થયું છે

ગૌરી સ્પ્રેટે સાથેના સંબંધો પર લાગી સત્તાવાર મહોર

છેલ્લા કેટલાક સમયથી આમિર ખાન અને ગૌરી સ્પ્રેટે અવારનવાર વિવિધ કાર્યક્રમોમાં સાથે જોવા મળતા હતા, જેને પગલે બંનેના સંબંધોની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. ત્યારબાદ ખુદ આમિર ખાને આ સંબંધોની સત્તાવાર પુષ્ટિ કરી હતી. આમિર ખાનના અગાઉના બંને લગ્નોની જેમ જ આ ત્રીજા લગ્ન પણ એકદમ સાદગીપૂર્ણ રહ્યા હતા, જેમાં કોઈ મોટો ઝાકઝમાળ જોવા મળ્યો ન હતો. સોશિયલ મીડિયા પર આ લગ્નની તસવીરો સામે આવતાની સાથે જ વાઈરલ થઈ ગઈ છે.

લગ્ન સમારંભમાં હાજર રહેલા ખાસ મહેમાનો

આમિર ખાનના આ ખાસ દિવસે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાંથી ગણ્યાગાંઠ્યા લોકો જ સામેલ થયા હતા, પરંતુ તેમનો પરિવાર સંપૂર્ણપણે સાથે જોવા મળ્યો હતો, આમિર ખાનની પહેલી પત્નીની પુત્રી આયરા ખાન તેના પતિ નુપુર શિખરે સાથે પિતાને આશીર્વાદ આપવા પહોંચી હતી. પુત્ર અને અભિનેતા જુનૈદ ખાન પણ પિતાના લગ્નનો સાક્ષી બન્યો હતો. રમત જગતમાંથી પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાન ખાસ હાજર રહ્યા હતા, આ ઉપરાંત ‘લગાન’ ફિલ્મમાં બાઘાની યાદગાર ભૂમિકા ભજવનાર અભિનેતા અમીન હાજી પણ ઉપસ્થિત રહ્યા હતા.

એક અનોખો તાલમેલ

આમિર ખાનની ખાસિયત એ રહી છે કે છૂટાછેડા પછી પણ તેમની બંને પૂર્વ પત્નીઓ (રીના અને કિરણ) સાથે તેમનો સંબંધ અત્યંત મધુર અને સન્માનજનક રહ્યો છે અને તેઓ પરિવારના દરેક પ્રસંગે સાથે જોવા મળે છે. હવે વર્ષ ૨૦૨૬માં ગૌરી સ્પ્રેટે સાથે લગ્નગ્રંથિથી જોડાઈને આમિર ખાને જિંદગીની નવી ઇનિંગ શરૂ કરી છે, જેના માટે ફેન્સ અને સિને જગત તેમને અઢળક શુભેચ્છાઓ પાઠવી રહ્યું છે