Telangana News : તેલંગાણાના નલગોંડા જિલ્લામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કંપારી છૂટી જાય તેવા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. હૈદરાબાદ-વિજયવાડા નેશનલ હાઈવે પર વહેલી સવારે સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના સભ્યો સહિત 4 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 1 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. રવિવારે વહેલી સવારે સર્જાયેલી આ દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનીક લોકો અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તાત્કાલિક રાહત તેમજ બચાવ કામગીરી હાથ ધરીને ઘાયલ વ્યક્તિને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વહેલી સવારની ગાઢ ઊંઘ વચ્ચે સર્જાયો ભયાનક અકસ્માત
મળતી માહિતી અનુસાર, આ દર્દનાક અકસ્માત તેલંગાણાના નલગોંડા જિલ્લામાં ચિટ્ટયાલ નજીક નેશનલ હાઈવે પર વહેલી સવારે અંદાજે 5 વાગ્યે સર્જાયો હતો. વિશાખાપટ્ટનમ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક ખાનગી લક્ઝરી બસના ચાલકે આગળ જઈ રહેલી કારને પાછળથી જોરદાર ટક્કર મારી દીધી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં સવાર તમામ 5 લોકો ચેન્નાઈથી હૈદરાબાદ તરફ જઈ રહ્યા હતા ત્યારે આ કાળમુખી બસે તેમને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં કાર ચલાવી રહેલા વ્યક્તિની પત્ની, તેના 2 નિર્દોષ બાળકો અને એક અંગત મિત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જેને કારણે હસતો-રમતો પરિવાર પળવારમાં વેરવિખેર થઈ ગયો હતો.
સદનસીબે બસના મુસાફરોનો આબાદ બચાવ, ઘાયલ કાર ચાલક સારવાર હેઠળ
આ ગમખ્વાર અકસ્માતમાં કાર ચલાવી રહેલા વ્યક્તિને પણ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર હાલ તેમની સ્થિતિ ભયથી બહાર હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, ખાનગી બસની વાત કરીએ તો ટક્કર એટલી જોરદાર હતી કે બસના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું. જોકે, સદનસીબે બસની અંદર સવાર તમામ મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત હોવાના અહેવાલ સાંપડ્યા છે અને કોઈ પણ મુસાફરને નાની-મોટી ઈજા થઈ નથી. અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ પોલીસે ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત વાહનોને હટાવીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો અને આ મામલે કાયદેસરની તપાસ શરૂ કરી છે.
રાજસ્થાનના દૌસામાં પણ થોડા દિવસો પહેલા જ સર્જાયું હતું આવું જ મોતનું તાંડવ
માર્ગ અકસ્માતની આ કોઈ પહેલી ઘટના નથી, આ પૂર્વે 1 જુલાઈના રોજ રાજસ્થાનના દૌસા જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર આનાથી પણ વધુ ભયાનક અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. કોલાવા પોલીસ સ્ટેશન વિસ્તારના દ્વારપુરા ગામ નજીક એક મુસાફરોથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે અકસ્માત થતાની સાથે જ બસમાં જોતજોતામાં ભયાનક આગ ભભૂકી ઉઠી હતી. આ અકસ્માતમાં 8 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા અને અન્ય 24 જેટલા મુસાફરો ગંભીર રીતે દાઝી જવાથી ઘાયલ થયા હતા. હરિદ્વારથી ઈન્દોર તરફ જઈ રહેલી આ બસમાં અંદાજે 39 જેટલા મુસાફરો સવાર હતા, જેમાંના મોટાભાગના લોકો મધ્યપ્રદેશના વતની હોવાનું બહાર આવ્યું હતું.




