Gujarat Ni Vaat

કેતનના મોતના માત્ર 17 જ દિવસમાં અગ્રવાલ પરિવારમાંથી વધુ એક અર્થી ઉઠી, આખો પરિવાર ભાંગી પડ્યો

Share On :

Ketan Agrawal Case: પુણેના લોહગઢ કિલ્લા પર થયેલા ચકચારી કેતન અગ્રવાલ હત્યાકાંડમાં વધુ એક અત્યંત દુઃખદ અને હચમચાવી નાખનારો વળાંક આવ્યો છે. પૌત્ર કેતનની ઘાતકી હત્યાનો સદમો સહન ન કરી શકવાને કારણે તેના દાદા દેવીચંદ અગ્રવાલનું પણ પુણેની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયું છે. હજુ થોડા દિવસો પહેલા જ પૌત્ર ગુમાવનાર અગ્રવાલ પરિવારમાંથી હવે દાદાની પણ અર્થી ઉઠતાં આખો પરિવાર રીતસરનો ભાંગી પડ્યો છે અને સમગ્ર વિસ્તારમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.

પૌત્રના વિયોગમાં દાદાએ તોડ્યો દમ, અંતિમ શબ્દોમાં છલકાયો આક્રોશ

પરિવારના જણાવ્યા અનુસાર, જ્યારથી કેતનની હત્યાના સમાચાર મળ્યા હતા ત્યારથી જ દાદા દેવીચંદ અગ્રવાલની તબિયત સતત લથડતી જતી હતી. શનિવારે રાત્રે 9.45 કલાકે હોસ્પિટલના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. હજુ થોડા સમય પહેલા જ તેમણે સોસાયટીના લોકો સાથે મળીને પૌત્ર ન્યાય માટે ‘કેન્ડલ માર્ચ’ કાઢી હતી, જ્યાં તેઓ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતા.

શું હતી સમગ્ર ઘટના?

કેતન અગ્રવાલ અને સિયાના લગ્ન આગામી નવેમ્બર મહિનામાં થવાના નક્કી થયા હતા. બંને પરિવારો વર્ષો જૂના સંબંધો ધરાવતા હતા. જોકે, સિયા આ લગ્નની વિરુદ્ધ હતી કારણ કે તે ચેતન ચૌધરી નામના યુવકને પ્રેમ કરતી હતી. પરિવારના દબાણમાં લગ્ન માટે હા પાડ્યા બાદ, સિયા અને તેના પ્રેમી ચેતને મળીને કેતનને રસ્તામાંથી હટાવવાનું ભયાનક ષડયંત્ર રચ્યું હતું. ગત 18 જૂનના રોજ તેઓ કેતનને લોહગઢ કિલ્લા પર ફરવાના બહાને લઈ ગયા હતા, જ્યાં મોકો મળતા જ સિયા અને ચેતને કેતનને ઊંડી ખીણમાં ધક્કો મારી દઈ મોતને ઘાટ ઉતારી દીધો હતો.

આરોપીઓને ફાંસી આપવાની માંગ

આ ઘાતકી હત્યાકાંડ બાદ કેતનની માતાએ પણ રડતાં-રડતાં આરોપીઓ માટે કડકમાં કડક એટલે કે મોતની સજાની માંગ કરી છે. આ મામલાની ગંભીરતાને જોતાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ પીડિત પરિવારને આ કેસની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તપાસ ચલાવવાની અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાનું કટિબદ્ધ આશ્વાસન આપ્યું છે. પુણે ગ્રામીણ પોલીસે આ મામલે ગુનો નોંધી છોકરીના માતા-પિતા અને ભાઈની પણ કલાકો સુધી પૂછપરછ હાથ ધરી છે.