VADODARA NEWS: ગુજરાતમાં સિંહ અને દીપડા જેવા વન્યજીવોના વધતા જતા આતંક વચ્ચે વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કમકમાટીભરી ઘટના સામે આવી છે. વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના પારા ગામે ઓરસંગ નદી કિનારે મગરે એક ગરીબ ખેતમજૂર યુવાન પર ઘાતકી હુમલો કરીને તેને મોતના ઘાટ ઉતારી દીધો છે. આ સમગ્ર ઘટના પત્ની અને માસૂમ બાળકોની નજર સામે જ ઘટતાં સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાને પગલે વન વિભાગ (ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ) અને પોલીસ તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું છે.
પરિવારની નજર સામે જ કાળ આંબી ગયો
મળતી વિગતો મુજબ, મૃતક યુવાન બજારિયાભાઇ નશરૂભાઈ નાયક પોતાના પરિવાર સાથે પારા ગામે ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતો હતો. શનિવારે તે પોતાની પત્ની અને બે નાના માસૂમ બાળકો સાથે નદી કિનારે ગયો હતો. પરિવારને કિનારે બેસાડીને બજારિયાભાઇ જ્યારે નદીના પાણીમાં નાહવા પડ્યા, ત્યારે જ નદીમાં સંતાઈને બેઠેલા મહાકાય મગરે અચાનક તેમના પર હુમલો કર્યો હતો. મગર યુવાનને પકડીને ઊંડા પાણીમાં ખેંચી જવા લાગ્યો હતો
ગ્રામજનોના પ્રયાસો છતાં યુવક ન બચી શક્યો
પોતાના પતિને મગરના મુખમાં જતો જોઈને પત્નીએ ભારે બૂમાબૂમ અને રાડારોડ મચાવી મૂકી હતી. મહિલાનો આક્રંદ સાંભળીને આસપાસના ગ્રામજનો અને ખેતમજૂરો લાકડીઓ અને અન્ય સાધનો સાથે તાત્કાલિક નદી કિનારે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ યુવકને બચાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી, પરંતુ કમનસીબે યુવકને બચાવી શકાયો ન હતો. આખરે, ગ્રામજનોએ ભારે સંઘર્ષ બાદ મગરના મોંમાંથી યુવકના મૃતદેહને છોડાવી નદી બહાર કાઢ્યો હતો.
વન વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી
આ દુખદ ઘટનાની જાણ થતાં જ ચાંદોદ પોલીસ અને ડભોઇ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વન વિભાગ દ્વારા નદી કિનારાના વિસ્તારોમાં સર્વેલન્સ વધારી દેવામાં આવ્યું છે અને સ્થાનિક લોકોને નદીના પાણીમાં ન ઉતરવા માટે ચેતવણી આપવામાં આવી છે.
વન્ય પ્રાણીઓના આતંકથી સ્થાનિકોમાં ફફડાટ
રાજ્યમાં અવારનવાર બનતી દીપડા અને સિંહના હુમલાની ઘટનાઓ વચ્ચે મગર દ્વારા માનવીના શિકારની આ ઘટનાએ વન વિભાગની ચિંતામાં વધારો કર્યો છે. ડભોઇ અને આસપાસના નદી કિનારાના ગામોમાં મગરોના આતંકને લઈને વન વિભાગ હવે કડક પગલાં ભરવાની તૈયારી કરી રહ્યું છે. ગરીબ શ્રમિક પરિવારના મોભીનું આ રીતે કમકમાટીભર્યું મોત થતાં સમગ્ર ડભોઇ પંથકમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે.




