Gujarat Ni Vaat

ચલો ડાંગ! ચોમાસાની શરૂઆતમાં જ ગીરા ધોધ બન્યો આકર્ષણનું કેન્દ્ર, વીકેન્ડની ટ્રીપ માટે બેસ્ટ લોકેશન

Share On :

DANG NEWS: ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. ચોમાસાની ધમાકેદાર બેટિંગના કારણે ડાંગની ગિરિમાળાઓ અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. વરસાદને કારણે ડાંગના જંગલો અને પહાડોમાં કુદરતે નયનરમ્ય અને આહલાદક દૃશ્યો સર્જ્યા છે. જોકે, જિલ્લાના વઘઈ પંથકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા માત્ર ૬ કલાકના ટૂંકા ગાળામાં જ ૧૦ ઇંચ જેટલો અનરાધાર વરસાદ ખાબક્યો છે, જેને પગલે સ્થાનિક સ્તરે આભ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

ખેડૂતોમાં આનંદની હેલી, નદી-નાળા છલકાયા

ડાંગ જિલ્લામાં લાંબા સમયની પ્રતીક્ષા બાદ વરસેલા આ ધોધમાર વરસાદને પગલે જગતનો તાત (ખેડૂતો) ઝૂમી ઊઠ્યો છે અને ડાંગર સહિતના ચોમાસુ પાકની વાવણી માટે સાનુકૂળ માહોલ સર્જાયો છે. વઘઈ અને સાપુતારા પંથકમાં થયેલા ભારે વરસાદના કારણે સ્થાનિક નદીઓ, કોતરો અને ઝરણાંઓ જીવંત બન્યા છે અને ચારેય તરફ હરિયાળી ચાદર પથરાઈ ગઈ છે.

ગિરા ધોધનું મનમોહક સ્વરૂપ અને પ્રવાસીઓનું આકર્ષણ

બીજી તરફ, ઉપરવાસમાં અને વઘઈમાં થયેલા ભારે વરસાદના પગલે ડાંગના પ્રખ્યાત ‘ગિરા ધોધમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. ગિરા ધોધે હાલ પોતાનું ભવ્ય અને રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે, જે આસપાસના વિસ્તારોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ અદ્ભુત કુદરતી નજારાની મજા માણવા માટે ગુજરાત અને પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ડાંગ ખાતે પહોંચી રહ્યાં છે.

ચોમાસા દરમિયાન ડાંગનો ગીરા ધોધ પ્રવાસીઓ માટે સ્વર્ગ સમાન સાબિત થતો હોય છે. ભૌગોલિક દૃષ્ટિએ આ ધોધ વઘઈ શહેરથી માત્ર પાંચ કિલોમીટર દૂર સાપુતારા રોડ પર આવેલો છે. મુખ્ય માર્ગ પરથી અંદાજે એક કિલોમીટર અંદરની તરફ સફર કરીને આ ધોધ સુધી પહોંચી શકાય છે. આશરે ૩૦ મીટરની ઊંચાઈએથી સફેદ દૂધના ફીણની જેમ વહેતા આ ધોધને જોવા માટે ચોમાસા દરમિયાન અહીં પ્રવાસીઓનો ભારે ટ્રાફિક જોવા મળે છે.