KUTCH NEWS: ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીની હોસ્ટેલમાં સુવિધાઓના અભાવે NSUI દ્વારા કરાયેલા ઉગ્ર વિરોધ પ્રદર્શન અને નકલી નોટો ઉડાડવાની ઘટના બાદ યુનિવર્સિટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. વિદ્યાર્થીઓના આક્રોશ અને આવેદન પત્રને ગંભીરતાથી લઈને યુનિવર્સિટીના ઉચ્ચ સત્તાધીશોએ જવાબદાર અધિકારીઓ અને સુપરવાઈઝરોનો ઉધડો લીધો છે. સત્તાધીશોએ સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપ્યો છે કે હોસ્ટેલમાં પીવાના પાણી અને સાફ-સફાઈની સમસ્યાઓ આજે ને આજે જ ઉકેલાઈ જવી જોઈએ, તેમજ કેમ્પસમાં અરાજકતા ફેલાવનારા તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
NSUI ની રજૂઆત બાદ યુનિવર્સિટીના ઉચ્ચ સત્તાધીશે સંબંધિત વિભાગના અધિકારીઓને રૂબરૂ બોલાવીને લાલ આંખ કરી હતી. તેમણે કડક લહેજામાં સૂચના આપતા જણાવ્યું હતું કે, “પીવાના પાણીનો પ્રશ્ન હમણાં ને હમણાં જ જોઈ લો. આજે ને આજે જ આ સમસ્યા પૂરી થઈ જવી જોઈએ, હવે પછી પીવાના પાણીની કોઈ ફરિયાદ ન આવવી જોઈએ. સફાઈ કામગીરી ભલે ચાલુ હોય, તેમ છતાં અમે પોતે રૂબરૂ જઈને સ્થિતિની સમીક્ષા કરીશું અને જે કઈ ખૂટતું હશે તે રૂબરૂ જોઈ લઈશું.”

હોસ્ટેલમાં ગંદકીના આક્ષેપો અને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરવાનું શરૂ કરાયું છે. સત્તાધીશોએ આદેશ આપ્યો છે કે હોસ્ટેલ પરિસરમાં સાફ-સફાઈ માટે તાત્કાલિક વધારાના બે માણસો કામે લગાડવામાં આવે. આ સાથે જ હોસ્ટેલ કેમ્પસમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને વિદ્યાર્થીઓની સુરક્ષા જળવાઈ રહે તે માટે સિક્યુરિટી પણ વધારાના બે માણસો તૈનાત કરવાનો કડક આદેશ કરાયો છે.
વિરોધ પ્રદર્શન દરમિયાન નકલી નોટો ઉડાડવાની અને હોબાળો કરવાની ઘટનાને પગલે યુનિવર્સિટી પ્રશાસન કાયદો અને વ્યવસ્થા જાળવવા મક્કમ બન્યું છે. સત્તાધીશોએ સિક્યુરિટી અને વહીવટી સ્ટાફને સ્પષ્ટ આદેશ આપ્યો છે, યુનિવર્સિટી પ્રશાસન દ્વારા ગણતરીના કલાકોમાં જ પાણી અને સફાઈના પ્રશ્નોના ઉકેલ માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને જણાવ્યું હતું કે, “મને હવે પછી આ હોસ્ટેલ બાબતે કોઈ પ્રશ્નો કે ફરિયાદો ન મળવા જોઈએ.” તંત્રના આ કડક વલણ અને ત્વરિત એક્શન પ્લાનને પગલે આગામી સમયમાં હોસ્ટેલના વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે તેમ જણાઈ રહ્યું છે.




