Gujarat Ni Vaat

કચ્છ રાપરમાં નાત બહાર કરવાના કુરિવાજ સામે પરિવારોનો બગાવતી સૂર, હવે કાનૂની લડતની તૈયાર

Share On :

KUTCH NEWS: એક તરફ દેશ આજે 21મી સદીમાં ડિજિટલ યુગ, સમાનતા અને માનવતાના ગૌરવની વાતો કરી રહ્યો છે, ત્યારે બીજી તરફ સમાજમાં નાત બહાર કરવાના અમાનવીય કુરિવાજો આજે પણ અકબંધ હોવાનો ચોંકાવનારો કિસ્સો કચ્છ જિલ્લામાંથી સામે આવ્યો છે. કચ્છના રાપર તાલુકામાં વાગડ રાજપૂત ક્ષત્રિય સમાજના નવ જેટલા પરિવારોને જ્ઞાતિમાંથી બહિષ્કૃત (નાત બહાર) કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. અન્યાયનો ભોગ બનેલા આ પરિવારો હવે ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે.

બંધારણ અને નિયમોના નામે ગરીબ પરિવારોનું શોષણ

મળતી વિગતો અનુસાર, રાપર તાલુકાના અલગ-અલગ ગામોમાં રહેતા વાગડ રાજપૂત ક્ષત્રિય સમાજના 9 પરિવારોને સમાજના કથિત નિર્ણયનું પાલન ન કરવા બદલ જ્ઞાતિમાંથી બહાર કરી દેવાયા છે. પીડિત પરિવારોનો ગંભીર આક્ષેપ છે કે, સમાજના કેટલાક આગેવાનો દ્વારા પોતાના અંગત સ્વાર્થ માટે બનાવેલા નિયમો અને જ્ઞાતિના બંધારણના નામે સામાન્ય અને ગરીબ પરિવારોનું માનસિક તેમજ સામાજિક શોષણ કરવામાં આવી રહ્યું છે. તાલિબાની વલણ અપનાવીને પરિવારોને અલગ-થલગ કરી દેવાતા પીડિતો ન્યાયની માંગ સાથે ભુજ ખાતે દોડી આવ્યા હતા.

સમાજમાં ફરી સામેલ કરવા લાખો રૂપિયાની માંગનો આક્ષેપ

પીડિત પરિવારોના જણાવ્યા અનુસાર, સમાજ સુધારણાના ખોટા ઓઠા હેઠળ તેમની પાસે જ્ઞાતિમાં ફરી સામેલ કરવા માટે લાખો રૂપિયાના દંડની માંગ કરવામાં આવી રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર આ પ્રકારનું આર્થિક અને સામાજિક દબાણ લાવવામાં આવી રહ્યું છે, જેના કારણે પરિવારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સમાજના જ કેટલાક તત્વો દ્વારા કાયદાને ગજવામાં રાખીને ચલાવવામાં આવતી આ પ્રવૃત્તિ સામે હવે ખુલ્લો વિરોધ શરૂ થયો છે.

ન્યાય માટે કાનૂની લડતની તૈયારી

આ ગંભીર અને માનવતા વિરોધી મામલે પીડિત પરિવારોએ હવે કાયદાના શરણ જવાનું નક્કી કર્યું છે. પરિવારોના સમર્થનમાં આવેલા એડવોકેટ રમણિક ગરવાએ જણાવ્યું હતું કે, ભારતના બંધારણમાં દરેક નાગરિકને સમાનતા અને સ્વતંત્રતાનો અધિકાર આપેલો છે. કોઈપણ સમાજ કાયદાથી ઉપર જઈને કોઈ નાગરિકનો સામાજિક બહિષ્કાર ન કરી શકે. પીડિત પરિવારોએ સમાજના આવા ગેરકાયદેસર બંધારણ અને કુરિવાજો સામે આક્રોશ વ્યક્ત કરીને હાઇકોર્ટ સુધી કાનૂની કાર્યવાહી કરવાની અને જવાબદાર આગેવાનો સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની મક્કમ તૈયારી દર્શાવી છે.