JUNAGADH NEWS: ગિરનારની ગોદમાં આવેલા અને પ્રકૃતિના સૌંદર્યથી ભરપૂર એવા જૂનાગઢના ઐતિહાસિક વિલિંગડન ડેમ વિસ્તારમાં આજે સવારે એક રોમાંચક અને ફફડાટ ફેલાવનારી ઘટના સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદના કારણે ડેમની જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે, જેને પગલે ડેમમાં વસવાટ કરતો એક અંદાજે ૧૦ ફૂટ લાંબો વિશાળકાય મગર જળાશયમાંથી બહાર નીકળીને કિનારા પર અને અવરજવર વાળા રસ્તા નજીક આવી ચડ્યો હતો. મોર્નિંગ વોકર્સ અને સ્થાનિક પ્રવાસીઓ માટે લોકપ્રિય એવા આ સ્થળે વિશાળ મગર મુક્તપણે ફરતો દેખાતા લોકોમાં ભારે કુતૂહલ સાથે ભયનો માહોલ વ્યાપી ગયો હતો.
જૂનાગઢવાસીઓ અને પ્રકૃતિપ્રેમીઓ મોટી સંખ્યામાં વહેલી સવારે વિલિંગડન ડેમ અને ગિરનારના સહેલગાહ વિસ્તારોમાં મોર્નિંગ વોક માટે જતા હોય છે. આજે સવારે પણ જ્યારે લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ડેમના પથરાળ કિનારાને પાર કરીને એક કદાવર મગર ઝાડીઓ અને રસ્તા તરફ સરકતો જોવા મળ્યો હતો. આટલો મોટો વન્યજીવ જાહેર હિલચાલ વાળા વિસ્તારની નજીક જોઈને લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. કેટલાક ઉત્સાહી નાગરિકોએ પોતાના મોબાઈલ કેમેરામાં મગરના આ દ્રશ્યો કેદ કર્યા હતા, જે જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.
પાણીની આવક વધવાને કારણે અથવા ખોરાકની શોધમાં અવારનવાર મગર જેવા જળચર જીવો કિનારાની બહાર આવી જતા હોય છે. વિલિંગડન ડેમમાં મગરોની વસ્તી હોવાનું જાણીતું જ છે, પરંતુ આટલો મોટો મગર બહાર આવી જતાં સાવચેતીના પગલાં લેવા અનિવાર્ય બન્યા હતા. પકડાયેલા મગરનું તબીબી પરીક્ષણ કર્યા બાદ તેને માનવ વસ્તીથી દુર, કુદરતી આવાસ અથવા સુરક્ષિત મોટા જળાશયમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.




