JAMNAGAR NEWS: ગુજરાતમાં જમીન સંપાદનના મુદ્દે ખેડૂતોનો આક્રોશ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. જેતપુર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનની જ્વાળા હવે જામનગર સુધી પહોંચી ગઈ છે. જેતપુરના ખેડૂતોના ન્યાયની લડતને મજબૂત સમર્થન આપવા માટે આજે જામનગર જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં મેદાને આવ્યા છે. જામનગરના દોઢીયા સહિત આસપાસના 30થી40 ગામોના ખેડૂતો સ્વયંભૂ રીતે એકઠા થઈને ૧૫૦થી વધુ ગાડીઓના વિશાળ કાફલા સાથે જેતપુર આંદોલનમાં જોડાવા માટે રવાના થયા છે.
જમીન સંપાદન મુદ્દે ખેડૂતોમાં ભારે અસંતોષ અને રોષ
વિકાસના નામે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા જમીન સંપાદન સામે ખેડૂતોમાં લાંબા સમયથી ધૂંધવાતો અસંતોષ હવે આંદોલનનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની કિંમતી અને ઉપજાઉ જમીનો પડાવી લેવામાં આવી રહી છે, પરંતુ તેની સામે તેમને યોગ્ય વળતર કે ન્યાય આપવામાં આવી રહ્યો નથી. પોતાની પેઢીઓની જમીન ગુમાવવાનો વારો આવતા ખેડૂતો આર્થિક અને સામાજિક રીતે પાયમાલ થઈ રહ્યા છે, જેના કારણે કિસાન આલમમાં સરકારની નીતિઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

હાઈવે પર ગાડીઓનો લાંબો કાફલો અને ગગનભેદી નારા
આજે જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાંથી જ્યારે ખેડૂતોનો કાફલો નીકળ્યો ત્યારે દ્રશ્યો જોવા જેવા હતા. ૧૫૦થી વધુ સ્કોર્પિયો, બોલેરો અને અન્ય ગાડીઓમાં સવાર થઈને સેંકડો ખેડૂતો જેતપુર જવા રવાના થયા હતા. રસ્તામાં ખેડૂતોએ “જય જવાન, જય કિસાન” અને “ખેડૂત એકતા જિંદાબાદ” ના ગગનભેદી નારા લગાવ્યા હતા, જેનાથી સમગ્ર હાઈવે ગુંજી ઉઠ્યો હતો. ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે આ લડત માત્ર જેતપુર પૂરતી મર્યાદિત નથી, પણ આખા ગુજરાતના ખેડૂતોના અસ્તિત્વની લડાઈ છે.
આંદોલન વધુ ઉગ્ર બનશે: ખેડૂત આગેવાનની ચીમકી
જો સરકાર દ્વારા ખેડૂતોની ન્યાયિક માંગણીઓ તાત્કાલિક સંતોષવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ આંદોલન માત્ર સૌરાષ્ટ્ર પૂરતું સીમિત નહીં રહે પરંતુ સમગ્ર રાજ્ય વ્યાપી બનશે અને વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે તેવી ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે.




