Gujarat Ni Vaat

અંક્લેશ્વરના અમરાવતી બ્રિજ નીચે મળેલા બિનવારસી મૃતદેહનો ભેદ ઉકેલાયો, માત્ર એક બાઈકની લાલચે યુવાનને મોતને ઘાટ ઉતારાયો

Share On :

BHARUCH NEWS: ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક દઢાલ ગામ પાસેથી વહેતી અમરાવતી નદીના બ્રિજ નીચેથી થોડા દિવસો પહેલા મળી આવેલા અજાણ્યા યુવાનના ડી-કમ્પોઝ (અતિ કુહજી ગયેલા) મૃતદેહના સનસનાટીભર્યા મર્ડર કેસનો ભેદ ઉકેલવામાં ભરૂચ પોલીસને મોટી સફળતા મળી છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ પોલીસે આ ગુનાનો ગણતરીના દિવસોમાં પર્દાફાશ કરી મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે.

હાથ પરના છૂંદણા અને ફોરેન્સિક રિપોર્ટે ખોલ્યો હત્યાનો રાજ

ગત ૨૦મી જૂનના રોજ અંકલેશ્વરના દઢાલ ગામ નજીક અમરાવતી નદીના બ્રિજ નીચેથી એક અજાણ્યા પુરુષનો સંપૂર્ણ કોહવાઈ ગયેલો મૃતદેહ બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. મૃતદેહ ઘણો જૂનો હોવાથી ઓળખ કરવી મુશ્કેલ હતી, પરંતુ પોલીસે હિંમત ન હારીને મૃતકના હાથ પર બનેલા વિશિષ્ટ છૂંદણાં અને અન્ય સ્થાનિક પુરાવાઓના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન આ મૃતદેહ ગત 17 જૂનથી ગુમ થયેલા પરેશ વસાવા નામના યુવકનો હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ પેનલ પીએમ અને ફોરેન્સિક રિપોર્ટમાં યુવકની હત્યા થઈ હોવાની પુષ્ટિ થતાં પોલીસે તાત્કાલિક ધોરણે હત્યાનો ગુનો નોંધી હત્યારાને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

૧૫૦થી વધુ CCTV ફૂટેજ ફંફોસીને આરોપીને ઝડપ્યો

ભરૂચ એસ.પી. અક્ષયરાજ મકવાણાએ પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, આ અંધારી હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસ ટીમોએ ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોના અંદાજે 150થી વધારે સીસીટીવી કેમેરાના ફૂટેજ ઝીણવટપૂર્વક તપાસ્યા હતા. આ સાથે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લેવામાં આવી હતી. આ સઘન ઓપરેશનના અંતે પોલીસ હત્યાના મુખ્ય આરોપી નિર્મલ રાજુ નિષાદ સુધી પહોંચવામાં સફળ રહી હતી અને તેની અટકાયત કરી લેવામાં આવી છે.

હત્યાનું કારણ ચોંકાવનારું: માત્ર બાઇક હડપવાની લાલચ

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી નિર્મલ નિષાદે જે કબૂલાત કરી તેનાથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપીએ માત્ર પરેશ વસાવાની મોટરસાઇકલ પડાવી લેવાની લાલચમાં આ આખી હત્યાનો પ્લાન ઘડ્યો હતો અને તેને અવાવરૂ જગ્યાએ લઈ જઈ મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવાના ઈરાદે તેણે પરેશના મૃતદેહને અમરાવતી નદીના બ્રિજ નીચે ફેંકી દીધો હતો.

આરોપીનો ગુનાહિત ઈતિહાસ

પોલીસના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, પકડાયેલો આરોપી નિર્મલ રાજુ નિષાદ કોઈ સાધારણ ગુનેગાર નથી પરંતુ રીઢો અપરાધી છે. તે અગાઉ પણ ભરૂચ અને અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં ચેઈન સ્નેચિંગ અને મોબાઈલ ચોરી જેવા અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. હાલ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે જેથી તેની વધુ પૂછપરછ કરી અન્ય કોઈ લૂંટ, ચોરી કે ગુનાહિત પ્રવૃત્તિઓમાં તેની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ ધપાવી શકાય.