entertainment news: બોલિવૂડના ‘દબંગ’ સુપરસ્ટાર સલમાન ખાન અને તેમનો પરિવાર ટૂંક સમયમાં જ એક નવા અને અત્યંત આલીશાન ઘરમાં શિફ્ટ થઈ શકે છે. મુંબઈના બાંદ્રા સ્થિત સલમાન ખાનનું વર્તમાન નિવાસસ્થાન ‘ગેલેક્સી એપાર્ટમેન્ટ’ છેલ્લા ઘણા સમયથી સુરક્ષાના કારણો, વિવિધ હુમલાના પ્રયાસો અને ઘૂસણખોરીની ઘટનાઓને લીધે સતત ચર્ચામાં રહ્યું છે. આ દરમિયાન ખાન પરિવારને લઈને એક મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. સલમાન ખાન બાંદ્રાના જ ચિમ્બઈ વિસ્તારમાં સમુદ્ર કિનારે (સી-ફેસિંગ) પોતાના પરિવાર માટે એક અત્યંત ભવ્ય ૬ માળની નવી ઇમારત બનાવવાની તૈયારી કરી રહ્યો છે.
સમુદ્ર કિનારાની નજીક બાંધકામ કરવાનું હોવાથી આ પ્રોજેક્ટ માટે કાયદાકીય મંજૂરીઓ મેળવવી અનિવાર્ય હતી. હવે આ પ્રોજેક્ટના નિર્માણ આડે નડતી તમામ અડચણો દૂર થઈ ગઈ છે, કારણ કે મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા સલમાન ખાનના આ નવા હોમ પ્રોજેક્ટને સત્તાવાર રીતે મંજૂરી આપી દેવામાં આવી છે. ઓથોરિટી તરફથી ગ્રીન સિગ્નલ મળ્યા બાદ હવે ટૂંક સમયમાં જ આ પ્લોટ પર બાંધકામની પ્રક્રિયા પૂરજોશમાં શરૂ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, બાંદ્રાના ચિમ્બઈ વિસ્તારમાં આવેલો આ પ્રાઇમ લોકેશન વાળો પ્લોટ સલમાન ખાનની માતા સલમા ખાનના નામે નોંધાયેલો છે.
આ પ્લોટ પર અગાઉ એક ખૂબ જ જૂનું અને જર્જરિત મકાન ઊભું હતું, જેને હટાવીને હવે ત્યાં આધુનિક સુવિધાઓથી સજ્જ 6 માળનું આલીશાન બિલ્ડિંગ તૈયાર કરવામાં આવશે. સલમાન ખાન છેલ્લા કેટલાય દાયકાઓથી વન-બીએચકેના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહે છે. હવે ગેલેક્સી એપાર્ટમેન્ટથી તદ્દન નજીક બનનારા આ નવા સમુદ્ર કિનારાના ઘરના સમાચાર વાયરલ થતાં જ સલમાન ખાનના કરોડો ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફેન્સ આતુરતાપૂર્વક ‘ભાઈજાન’ ના આ નવા ઘરની પહેલી ઝલક જોવા માટે સોશિયલ મીડિયા પર આતુરતા વ્યક્ત કરી રહ્યા છે.




