Gandhinagar News : ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થાના રખેવાળો દ્વારા આત્મઘાતી પગલાં ભરવાના ચિંતાજનક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હજુ ગત 22 જૂને માણસા પોલીસ મથકના 28 વર્ષીય યુવા પોલીસકર્મી પર્વ ગોસ્વામીએ ગૃહ કંકાસના કારણે ગળાફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી, ત્યાં જ ગણતરીના દિવસોમાં પાટનગરમાં વધુ એક આવી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સેક્ટર-1માં આવેલી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ઓફિસર્સ મેસમાં આજે રવિવારે સવારે ફરજ પર તહેનાત 43 વર્ષીય જવાન હસમુખભાઈ ચતુરભાઈ પ્રજાપતિએ અગમ્ય કારણોસર પોતાની જ રાઇફલ વડે ગળાના ભાગે ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.
ગાંધીનગરના સેક્ટર-1માં આવેલા ગાયત્રી મંદિર નજીક ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ઓફિસર્સ મેસમાં આજે રવિવારે, 28 જૂનના રોજ સવારે એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સુરક્ષા વ્યવસ્થામાં તહેનાત 43 વર્ષીય કોસ્ટ ગાર્ડના જવાને અગમ્ય કારણોસર પોતાની જ રાઇફલ વડે ગળાના ભાગે ગોળી મારીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. સવારના શાંત વાતાવરણમાં અચાનક થયેલા ગોળીબારના પ્રચંડ અવાજને કારણે ઓફિસર્સ મેસ અને આસપાસના સ્ટાફ તેમજ સુરક્ષાકર્મીઓમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાને પગલે લોહીલુહાણ હાલતમાં પડેલા જવાનને ત્યાં હાજર અન્ય કર્મચારીઓએ તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
સિવિલથી અમદાવાદની કે.ડી. હોસ્પિટલ રીફર: જવાનની સ્થિતિ અત્યંત નાજુક
ગાંધીનગર સિવિલ હોસ્પિટલના આઇસીયુ (ICU) વોર્ડમાં જવાનને દાખલ કરીને પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ ગળાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાના કારણે તેમની સ્થિતિ સતત બગડતી ગઈ હતી. તબીબોએ જવાનની હાલત અત્યંત ગંભીર અને ચિંતાજનક ગણાવીને વધુ સુવિધા ધરાવતી અમદાવાદની ખાનગી કે.ડી. હોસ્પિટલમાં તાત્કાલિક રીફર કરવાનો નિર્ણય લીધો હતો. હાલમાં અમદાવાદ ખાતે તબીબોની વિશેષ ટીમ દ્વારા જવાનની જિંદગી બચાવવા માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આગામી કલાકો તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ નાજુક માનવામાં આવી રહ્યા છે.
ઘટનાસ્થળે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને એફએસએલની ટીમનો કાફલો દોડ્યો
કોસ્ટ ગાર્ડ જેવી સંવેદનશીલ અને હાઇ-સિક્યોરિટી સરકારી ઓફિસના મેસમાં જવાન દ્વારા આ પ્રકારે સરેઆમ ફાયરિંગ કરી આત્મઘાતી પગલું ભરવાની ઘટના વાયુવેગે પ્રસરતા સમગ્ર ગાંધીનગર પોલીસ તંત્રમાં હડકંપ મચી ગયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા સેક્ટર-7 ના પીઆઈ (PI) સહિતના સ્થાનિક પોલીસ અધિકારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ સાથે જ વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્ર કરવા માટે એફએસએલ (FSL) ની વિશેષ ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. એફએસએલની ટીમે ઘટનાસ્થળેથી લોહીના નમૂના, રાઇફલ અને અન્ય જરૂરી પુરાવાઓ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લેકાવાડાના વતની હસમુખ પ્રજાપતિ ફરજ દરમિયાન નાસ્તો કરવા આવ્યા હતા
પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, આત્મહત્યાનો પ્રયાસ કરનાર જવાનની ઓળખ 43 વર્ષીય હસમુખભાઈ ચતુરભાઈ પ્રજાપતિ તરીકે થઈ છે, જેઓ ગાંધીનગર નજીક આવેલા લેકાવાડા ગામના મૂળ વતની છે. હસમુખભાઈનું પોસ્ટિંગ લેકાવાડા કોસ્ટ ગાર્ડ ખાતે જ હતું અને તેઓ સેક્ટર-1 સ્થિત ઓફિસમાં સુરક્ષા વ્યવસ્થાની ફરજ પર તહેનાત હતા. રવિવારે સવારે તેઓ પોતાની નિયમિત ફરજ પર હાજર હતા અને તે દરમિયાન સવારે મેસમાં નાસ્તો કરવા માટે આવ્યા હતા, જ્યાં તેમણે અચાનક આ આત્મઘાતી પગલું ભરી લીધું હતું. પોલીસે જવાનના પરિવારજનોને આ દુઃખદ ઘટના અંગે તુરંત જાણ કરી દીધી હતી.
ઓફિસના ત્રાસનો ઇનકાર: ગૃહ કંકાસની આશંકા વચ્ચે પત્ની બેભાન
આ સમગ્ર મામલે તપાસ કરી રહેલી પોલીસના આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે કે ઘટનાસ્થળેથી હાલમાં કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી. પોલીસે આ મામલે કોસ્ટ ગાર્ડના સીઓ સાથે સીધી વાતચીત કરી છે, જેમાં સ્પષ્ટ થયું છે કે જવાનને ઓફિસ તરફથી કે કામનું કોઈ પણ પ્રકારનું માનસિક દબાણ કે ત્રાસ ન હતો. બીજી તરફ, પતિના આ પગલાના સમાચાર સાંભળતા જ હસમુખભાઈના પત્ની આઘાતને કારણે બેભાન થઈ ગયા છે અને તેમની સ્થિતિ પણ ગમગીન છે. પ્રાથમિક તપાસ અને આસપાસની સ્થિતિ જોતા પોલીસને આ આત્મઘાતી પ્રયાસ પાછળ પારિવારિક વિખવાદ કે ઘર કંકાસ મુખ્ય કારણ હોવાની આશંકા છે, જેને આધારે હાલમાં પોલીસ દ્વારા માત્ર જાણવા જોગ નોંધ કરીને વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
ગાંધીનગર જિલ્લામાં સરકારી કર્મચારીઓમાં આત્મહત્યાના બનાવોથી ચિંતા
ગાંધીનગર જિલ્લામાં સુરક્ષાકર્મીઓ અને પોલીસ કર્મચારીઓમાં તણાવ અને આત્મહત્યાના કિસ્સાઓ ચિંતા જગાવી રહ્યા છે, કારણ કે હજુ થોડા દિવસો પહેલા જ એટલે કે 22 જૂન, 2026ના રોજ માણસા પોલીસ મથકમાં એક આવો જ બનાવ બન્યો હતો. માણસા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આશરે 28 વર્ષીય યુવા પોલીસકર્મી પર્વ વિનોદભારતી ગોસ્વામીએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી, જેના કારણે સમગ્ર પોલીસ બેડામાં ભારે શોક વ્યાપી ગયો હતો. એ ઘટનામાં પણ પ્રાથમિક તપાસ દરમિયાન પારિવારિક ગૃહ કંકાસ જવાબદાર હોવાનું બહાર આવ્યું હતું, ત્યારે ફરી એકવાર કોસ્ટ ગાર્ડના જવાનના આ પગલાથી સરકારી કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય અને પારિવારિક પ્રશ્નો અંગે ચર્ચાઓ જાગી છે. હાલમાં પોલીસ જવાનના સાથી કર્મચારીઓ અને પરિવારજનોની પૂછપરછ કરીને સત્ય શોધવાનો પ્રયાસ કરી રહી છે.




