technology news: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રની અગ્રણી વૈશ્વિક કંપની OpenAI દ્વારા તેના કરોડો ChatGPT વપરાશકર્તાઓની સુરક્ષા અને પ્રાઇવસીને વધુ મજબૂત બનાવવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને નવું સુરક્ષા ફીચર ‘લોકડાઉન મોડ’ લોન્ચ કરવામાં આવ્યું છે. આ અદ્યતન સુવિધા ખાસ કરીને એવી વ્યક્તિઓ, વ્યાવસાયિકો અને મોટી સંસ્થાઓ માટે ડિઝાઇન કરવામાં આવી છે જેઓ દરરોજ અત્યંત ગોપનીય અને સંવેદનશીલ માહિતી સાથે કામ કરે છે અને ડેટા ચોરીનું જોખમ કોઈપણ ભોગે ઘટાડવા માંગે છે.
હાલના સમયમાં વૈશ્વિક સ્તરે AI ટેક્નોલોજી પર સાયબર હુમલાઓનું પ્રમાણ વધ્યું છે, ત્યારે OpenAI નું આ પગલું યુઝર્સના ડેટાને ડિજિટલ ચોરોથી સુરક્ષિત રાખવામાં માઇલસ્ટોન સાબિત થશે.OpenAI ના સત્તાવાર નિવેદન અનુસાર, યુઝર્સનો સંવેદનશીલ ડેટા ક્યારેય પણ ખોટા હાથોમાં ન જાય તે સુનિશ્ચિત કરવા આ ફીચર લાવવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં AI ની દુનિયામાં ‘પ્રોમ્પ્ટ ઇન્જેક્શન એટેક્સ‘ને સૌથી મોટો અને જટિલ ખતરો માનવામાં આવે છે. આ પ્રકારના સાયબર હુમલામાં હેકર્સ કે હુમલાખોરો વિવિધ વેબસાઇટ્સ, ઇમેઇલ્સ, દસ્તાવેજો અથવા અન્ય ઓનલાઇન કન્ટેન્ટની અંદર ખૂબ જ ચાલાકીપૂર્વક છુપાયેલી નકારાત્મક સૂચનાઓ દાખલ કરી દે છે.
જ્યારે ચેટબોટ આ કન્ટેન્ટને રીડ કરે છે, ત્યારે તે ગેરમાર્ગે દોરાય છે. ઘણા કિસ્સાઓમાં, આ ખામીનો લાભ ઉઠાવીને હેકર્સ ચેટબોટ્સ પાસે યુઝર્સની અત્યંત ખાનગી અને નાણાકીય માહિતી કઢાવી લેતા હોય છે. નવો લોકડાઉન મોડ આ ગંભીર ખતરાને મોટાભાગે નાબૂદ કરવા માટે બનાવવામાં આવ્યો છે. આ મોડને ચાલુ કરવાથી ChatGPT ની ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને અન્ય બાહ્ય સેવાઓ નો ઉપયોગ નોંધપાત્ર રીતે મર્યાદિત થઈ જાય છે. જો કે, કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આ સુવિધા પ્રોમ્પ્ટ ઇન્જેક્શનને 100 ના અંતિમ તબક્કાને સંપૂર્ણપણે બ્લોક કરી દે છે, જેથી ડેટા ચોરી થઈ શકતો નથી.
કયા એકાઉન્ટ્સમાં મળશે સુવિધા?
OpenAI દ્વારા આ સુરક્ષા ફીચર તબક્કાવાર રીતે તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. આ સુવિધા એકાઉન્ટ્સમાં રોલઆઉટ કરવામાં આવી રહી છે, ChatGPT ફ્રી, ChatGPT ગો, ChatGPT પ્લસ ,ChatGPT પ્રો, સેલ્ફ-સર્વિસ બિઝનેસ એકાઉન્ટ્સને સુવિધા મળશે.
કેવી રીતે સક્રિય કરવો લોકડાઉન મોડ?
એકવાર આ સુવિધા તમારા એકાઉન્ટમાં ઉપલબ્ધ થઈ જાય પછી તેને સક્રિય કરવી ખૂબ જ સરળ છે.
- સૌપ્રથમ સ્માર્ટફોનમાં ChatGPT એપ અથવા કમ્પ્યુટર પર તેની વેબસાઇટ ખોલો.
- ત્યારબાદ પ્રોફાઈલ મેનૂમાં જઈને ‘સેટિંગ્સ’ પર ક્લિક કરો.
- સેટિંગ્સમાં આપેલા ‘સિક્યુરિટી સેક્શન’માં જાઓ.
- ત્યાં ‘એડવાન્સ્ડ સિક્યુરિટી‘નો વિકલ્પ જોવા મળશે, તેના પર ક્લિક કરો.
- અહીં તમને ‘લોકડાઉન મોડ’નો ઓપ્શન દેખાશે, જેને તમે સિંગલ ટેપ કે ક્લિક કરીને તરત જ એક્ટિવેટ કરી શકો છો.
કંપનીના જણાવ્યા અનુસાર, આ સુવિધા સામાન્ય કે મનોરંજન માટે ChatGPT વાપરતા દરેક યુઝર માટે કમ્પલસરી (જરૂરી) નથી, પરંતુ કોર્પોરેટ જગત, બેન્કિંગ સેક્ટર, આઈટી પ્રોફેશનલ્સ અને સરકારી સંસ્થાઓ માટે વધારાની સુરક્ષાનું એક અત્યંત મહત્વપૂર્ણ અને અનિવાર્ય સ્તર સાબિત થશે.




