VADODARA NEWS: વડોદરામાં વિદેશી ધરતી પર નર્સિંગની નોકરી અપાવવાના બહાને આણંદની બે યુવતીઓ સાથે રૂ10.60 લાખની ઠગાઈ આચરવામાં આવી હોવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના ન્યૂ વી.આઈ.પી. રોડ પર ઓફિસ ધરાવતા બે એજન્ટ ભાઈઓએ યુરોપમાં નર્સિંગની નોકરી અપાવવાની લાલચ આપીને બે યુવતીઓ પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા. બે એજન્ટ ભાઈઓ સામે વડોદરાના વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સોશિયલ મીડિયાની જાહેરાત જોઈ યુવતીઓ ફસાઈ
મળતી માહિતી મુજબ, આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નાપા ગામની એકતાનગર કોલોનીમાં રહેતા અને નર્સિંગ ટ્યુટર તરીકે નોકરી કરતા નિકિતાબેન જયંતિભાઈ રોહિતે વર્ષ 2024માં સોશિયલ મીડિયા પર ‘એકનાથ ઇમિગ્રેશન કન્સલટન્સી’ની જાહેરાત જોઈ હતી. આ ઓફિસ વડોદરાના ન્યૂ વી.આઈ.પી. રોડ પર ખોડિયારનગર પાસે આવેલા અર્થ આઈકોનમાં આવેલી છે. નિકિતાબેન અને તેમની મિત્ર સિમરનબેન ઈશ્વરભાઈ પરમાર ઓસ્ટ્રિયા ખાતે નર્સિંગની નોકરી કરવા જવા ઈચ્છતા હોવાથી તેઓ કન્સલટન્સીના સંચાલક જશવંત ચૌધરીને મળવા ગયા હતા.
ખોટો ઓફર લેટર આપી લાખો રૂપિય
જશવંતના ભાઈ દુષ્યંત ચૌધરીએ યુવતીઓના પાસપોર્ટ નંબરનો ઉલ્લેખ ધરાવતો એક ઓફર લેટર આપ્યો હતો અને જણાવ્યું હતું કે, 10 નવેમ્બર 2025ના રોજ ઓસ્ટ્રિયા જવાનું છે. આ ઓફર લેટર સાચો હોવાનું માની લીધું, બંને ભાઈઓએ થઈને કુલ રૂ.10.60 લાખ પડાવી લીધા હતા. નાણાં મેળવ્યા બાદ એજન્ટોએ ઓસ્ટ્રિયાના બદલે જ્યોર્જિયાના વિઝા અપાવવાનું કહીને ગલ્લાતલ્લા કરવાનું શરૂ કર્યું હતું અને કોઈ યોગ્ય કાર્યવાહી કરી ન હતી. વિદેશ જવાની પ્રક્રિયા ન થતાં અને નાણાં પરત ન મળતા આખરે નિકિતાબેને પોલીસનો આશરો લીધો હતો.
પોલીસે ગુનો દાખલ કર્યો, અન્ય લોકો પણ ફસાયાની આશંકા
ભોગ બનનાર યુવતીની ફરિયાદના આધારે વારસિયા પોલીસે આરોપી એજન્ટ ભાઈઓ જશવંત ચૌધરી અને દુષ્યંત ચૌધરી સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે. પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ આશંકા છે કે આ એજન્ટોની જાળમાં ફસાઈને અન્ય લોકોએ પણ પોતાના લાખો રૂપિયા ગુમાવ્યા હોઈ શકે છે, જે દિશામાં હાલ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.




